વડોદરાના ડભોઇ રોડ પર ફાયર વિભાગનું ટેન્કર રસ્તા વચ્ચે પલટી ગયું. ટેન્કર પલટી જતાં તેની અડફેટે એક સ્કૂટર ચાલક યુવતી આવી ગઈ જો કે આ યુવતી સદનસીબે બચી ગઈ. પલટી ગયેલા ટેન્કરના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે સ્કૂટર પર યુવતી અને અન્ય એક સ્કૂટર ચાલક રોડ પરથી જઈ રહ્યા છે. એ દરમિયાન સામેની બાજુથી ફાયર વિભાગનું પાણી ભરેલું ટેન્કર આ તરફ આવીને પલટી જાય છે અને તેની નીચે સ્કૂટર આવી જાય છે. જ્યારે સ્કૂટર પર બેસેલી યુવતી દૂર ફેંકાઈ જતા બચી જાય છે. ટેન્કર પલટ્યા બાદ રોડ પર પાણી પાણી થઈ જાય છે.
અકસ્માત બાદ ટેન્કરનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. રોષે ભરાયેલા લોકોના ટોલાએ સબ ફાયર ઓફિસર જાસ્મિન પટેલને પકડીને દુકાનમાં બેસાડી દીધા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ ફાયર વિભાગના અધિકારી અમિત ચૌધરી સ્થળ પર દોડી આવ્યા હતા. આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા જેને લઈને ટ્રાફિકજામ થઈ ગયો હતો. લોકોનું કહેવું છે કે ટેન્કરના ચાલકે વળાંક પર ટર્ન મારવા જતા ટેન્કર પલટી ગયું હતું.
સામે આવેલી વિગત મુજબ ગાજરાવાડીથી સબ ફાયર ઓફિસર અને ટેન્કર ચાલક ક્રિષ્ના પટેલ ટેન્કર લઈને નીકળ્યા હતા. ડભોઇ રોડ પર ગણેશનગર પાસે ટર્ન લેવા જતાં આ અકસ્માત સર્જાયો હતો.