ગુજરાતના 18 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. બુધવારે રાત્રે આ બદલીના ઓર્ડર કરવામાં આવ્યા. અધિક ગૃહ સચિવનો હવાલો સંભાળતા એ.કે.રાકેશ નિવૃત્ત થયા છે. તેમને એક્સટેન્શન આપવામાં આવે તેવી અટકળો હતી. જો કે તેમને એક્સટેન્શન આપવામાં ન આવતા અટકળોનો અંત આવ્યો છે. ગૃહ વિભાગનો હવાલો મનોજ દાસને સોંપવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે જે 18 આઈએએસ અધિકારીઓની બદલી કરી છે. તેમાં સુનૈના તોમર, રાજીવ ટોપનો, રાકેશ શંકર, કે.કે. નિરાલા, રાજેશ મંજુ, એ.એમ.શર્મા, મમતા વર્મા,મનોજ કુમાર દાસ, જયંતી રવિ, પી.સ્વરૂપ, અંજુ શર્મા, એસ.જે.હૈદર, જગદીશ પ્રસાદ ગુપ્તા, ડો. ટી. નટરાજન અને મુકેશ કુમારનો સમાવેશ થાય છે.
જયંતી રવિને મહેસૂલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવ્યા છે. આમ ડેપ્યુટેશન પૂરું થતા જયંતિ રવિ પુડ્ડુચેરીથી ગુજરાત પરત આવી રહ્યા છે. મહત્વનું છે કે થોડા સમય પહેલાં જકે. કૈલાસનાથનને પુડ્ડુચેરીના LG બનાવવામાં આવ્યા હતા. આમ બન્ને અધિકારીની અદલા બદલી કરવામાં આવી છે. મનોજ કુમાર દાસની ફરી મુખ્યમંત્રી કાર્યાલયમાં એન્ટ્રી થઈ છે. તેમને મુખ્યમંત્રીના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત 8 આઈપીએસ અધિકારીઓની બદલી અને નિમણૂંક કરવામાં આવી છે. જેમાં રાજુ ભાર્ગવ, વિકાસ સુંદા, બિશાખા જૈન, રાઘવ જૈન, જીતેન્દ્ર મુરારીલાલ અગ્રવાલ, ડો.નિધિ ઠાકુર, કોરુકોન્ડા સિદ્ધાર્થ અને જે.એ.પટેલનો સમાવેશ થાય છે. અગ્નિકાંડ સમયે રાજકોટના પોલીસ કમિશનર રહેલા રાજુ ભાર્ગવને આર્મ્ડ યુનિટના ADGP બનાવવામાં આવ્યા છે.
બદલીના સ્થળ વિશે વાત કરીએ તો સુનૈના તોમર સામાજિક-ન્યાય અધિકારીતા વિભાગમાં હતા જેમને હવે હાયર ટેક્નિકલ એજ્યુકેશન વિભાગમાં મૂકવામાં આવ્યા છે. મહેસૂલ વિભાગમાં રહેલા એમ.કે.દાસને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. ડેપ્યુટેશન પર રહેલા જયંતિ રવિની બદલી મહેસૂલ વિભાગમાં કરવામાં આવી છે. શ્રમ અને રોજગાર વિભાગમાં રહેલા ડો.અંજુ શર્માને કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં મૂકવામાં આવ્યા છે. ઉદ્યોગ અને ખાણ વિભાગમાંથી એસ જે હૈદરને ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગમાં મૂકવામાં આવ્યા છે.

ડેપ્યુટેશન પર રહેલા ટી.નટરાજનને નાણાં વિભાગમાં મૂકવામાં આવ્યા છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગમાં રહેલા મમતા વર્માને ઉદ્યોગ અને ખાણ વિભાગમાં મૂકવામાં આવ્યા છે. ઉચ્ચ ટેક્નિકલ શિક્ષણ વિભાગમાં રહેલા મુકેશ કુમારને પ્રાથમિક શિક્ષણ વિભાગમાં મૂકવામાં આવ્યા છે. ડેપ્યુટેશન પર રહેલા રાજીવ ટોપનોને ચીફ સ્ટેટ ટેક્સ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે. ટ્રાઇબલ ડેવલપમેન્ટ વિભાગમાં રહેલા એમ.મુરલીક્રિષ્નાની સ્ટેટ ઇલેક્શન કમિશ્નર ઓએસડી તરીકે બદલી કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ વિભાગમાં રહેલા વિનોદ રાવની શ્રમ અને રોજગાર વિભાગમાં બદલી કરવામાં આવી છે.

લેબર કમિશનર તરીકે રહેલા અનુપમ આનંદને ટ્રાન્સ્પોર્ટ કમિશનર તથા GSRTCના એમડી બનાવવામાં આવ્યા છે. રાજ્યપાલના અગ્ર સચિવ રાજેશ માંજુને મહેસુલ નિરીક્ષણ-કમિશનર તરીકે નિયુક્ત કરાયા છે. GADના સચિવ તરીકે રહેલા રાકેશ શંકરને મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કમિશનર તરીકે નિયુક્ત કરાયા છે.

મહિલા અને બાળ વિકાસ કમિશનર તરીકે ફરજ બજાવતા કે.કે.નિરાલાને નાણા વિભાગમાં ખર્ચ શાખાના સચિવ બનાવવવામાં આવ્યા છે. GSRTC વાઈસ ચેરમેન એ.એમ.શર્માને રાજ્યપાલના અગ્ર સચિવ બનાવવામાં આવ્યા છે. નાણાં વિભાગમાં રહેલા જે.પી. ગુપ્તાને ટ્રાઇબલ ડેવલપમેન્ટ વિભાગના ACS બનાવવામાં આવ્યા છે.

આઈપીએસ અધિકારીઓની વાત કરીએ તો પોસ્ટિંગની રાહ જોતા રાજુ ભાર્ગવને આર્મ્ડ યુનિટના ADGP બનાવવામાં આવ્યા છે. રાજ્યપાલના એડીસી રહેલા વિકાસ સુંદાને વેઇટિંગ ફોર પોસ્ટિંગ રાખવામાં આવ્યા છે. બિષાખા જૈનને SRPF (ગ્રૂપ-4, પાવડી,દાહોદ)ના કમાન્ડન્ટ બનાવવામાં આવ્યા છે. રાઘવ જૈનને રાજકોટ મધ્યસ્થ જેલના સુપરિટેન્ડન્ટ તરીકે નિયુક્ત કરાયા છે. જીતેન્દ્ર અગ્રવાલને ગાંધીનગર સ્ટેટ ટ્રાફિક(બ્રાન્ચ-1)ના એસપી બનાવવામાં આવ્યા છે. નિધિ ઠાકુરને વડોદરા મધ્યસ્થ જેલના સુપરિટેન્ડન્ટ બનાવવામાં આવ્યા છે. કોરુકોન્ડા સિદ્ધાર્થને રાજ્યપાલના એડીસી બનાવવામાં આવ્યા છે. જ્યારે જે.એ.પટેલને સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના એસપી બનાવવામાં આવ્યા છે.