વડોદરા પાસે આવેલા ખટંબામાં એક કારનો અકસ્માત સર્જાયો છે. રોડ પરથી પસાર થઈ રહેલી SUV કાર 35 ફૂટ ઊંડા તળાવમાં ખાબકી ગઈ. આ કારમાં 4 જેટલા વિદેશી યુવાનો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર વિભાગના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે તળાવ ઊંડું હોવાથી NDRFની ટીમને પણ બોલાવવી પડી હતી. NDRF દ્વારા એક સ્કુબાને તળાવમાં ઉતારી કાર શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ક્રેન મંગાવીને ક્રેન દ્વારા કારને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. વહેલી સવારે ચાર વાગ્યે ઘટના બની હોવાનું કહેવાય છે. ક્રેન દ્વારા કારને ખેંચીને બહાર કિનારા સુધી લાવવામાં આવી. પરંતુ ક્રેનનું દોરડું તૂટી જતાં કાર ફરી તળાવમાં ગરકાવ થઈ ગઈ હતી. જે બાદ ફરી ભારે જહેમત કરીને કારને બહાર કાઢવામાં આવી.જોકે, બહાર કાઢેલી કારમાં કોઈ વ્યક્તિ નહોતી.

વરણામા પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું કે, કાર બહાર કાઢી લેવામાં આવી છે, પરંતુ કારમાંથી કોઈ વ્યક્તિ નથી મળ્યું. કારના નંબર ઉપરથી કારના માલિકની તપાસ કરવામાં આવશે, જે બાદ કાર કોણ ચલાવતું હતું અને કારમાં કોણ કોણ હતું. તે ક્યાંના વતની હતા ક્યાંથી આવતા હતા અને ક્યાં જઈ રહ્યા હતા તે અંગેની વિગતો જાણવા મળશે.
આ પણ વાંચો – ધોરણ-12 પાસ યુવાનો માટે સરકારી નોકરીની તક
તેમણે કહ્યું કે, કારમાં કદાચ એક જ વ્યક્તિ હોઈ શકે છે અને તે કાર અકસ્માતની સાથે જ બહાર નીકળીને જતો રહ્યો હોય તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. જોકે, પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ કરી રહી છે.

એક આશંકા એવી પણ છે કે આ કારમાં ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ સવાર હતા.જે તમામ હાલ લાપતા છે. કાર એટલી ઝડપમાં હતી કે,ફેન્સિંગ તોડીને તળાવમાં ખાબકી હતી.
ઘટનાની જાણ થતા નજીકમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તળાવની તૂટેલી ફેન્સિગ પાસે કારનો ટુકડો મળી આવ્યો છે.