Homeધર્મબોળ ચોથ 2024; બોળ ચોથની વ્રત કથા

બોળ ચોથ 2024; બોળ ચોથની વ્રત કથા

શ્રાવણ માસના વદ પક્ષની ચોથ બોળ ચોથ તરીકે ઓળખાય છે. જેને ઘણા લોકો બહુલા ચોથ તરીકે પણ ઊજવતા હોય છે. મહિલાઓ આ દિવસે વ્રત કરે છે. આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી ન ખાવાની માન્યતા છે. આ દિવસે વ્રત કરનારે સવારે નિત્યકામમાંથી પરવારી કંકુ, ચોખા, તથા ફૂલના હારથી ગાય-વાછરડાનું પૂજન કરવું અને એક ટાણું કરવું. ઘઉંની કોઈ પણ વસ્તુ લેવી નહીં. બોળચોથના વ્રતના દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં. આ માન્યતા પાછળ એક પૌરાણિક કથા છે.

એક ગામમાં એક સાસુ વહુ રહેતા હતા. એક દિવસ સાસુએ તેની વહુને ઘઉંલો ખાંડીને રાંધવાનો આદેશ આપ્યો અને મંદિરે જતા રહ્યા.તેના ઘરમાં એક ગાય અને વાછરડો હતા. ગાયના વાછરડાનું નામ પણ ઘઉંલો હતું. વહુએ તો વિચાર્યા વિના સાસુનો આદેશ માનીને વાછરડાને વધેરી નાખ્યો અને તેને ખાંડીને રસોઈ બનાવી લીધી. સાસુએ ઘઉંનો ખીચડો રાંધવાનું કહ્યું હતું અને વહુએ ઘઉંલા વાછરડાને રાંધી નાખ્યો.

સાસુએ મંદિરેથી આવીને પૂછ્યું, વહુ ઘઉંલો ચૂલે ચડાવ્યો ને? ત્યારે વહુ એ કીધું ચડાવ્યો તો ખરો પણ શું ઠેકડા માર્યા છે…

પકડ્યો પકડાય નહી,

કાપ્યો કપાઈ નહી,

રાંધિયો રંધાય નહીં,

માંડ માંડ ખાંડ્યો છે. આ સાંભળતા જ સાસુના પેટમાં ફાળ પડી તેણે કહ્યું તું કોની વાત કરે છે? વહુ બોલી આપણા ઘઉંલા વાછરડાની! સાસુ તો અવાક થઈ ગયા અને તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બોલ્યા અરેરે વહુ તમે આ શું કર્યું? આજે બોળ ચોથ છે, બધી સ્ત્રીઓ હમણાં ગાય વાછરડાની પૂજા કરવા આવશે, હવે એમને આપણે શું કહીશું?

વહુએ રાંધેલા ઘઉંલાને સાસુએ હાંડલામાં નાખ્યો અને છાનામાના ગામની બહારના ઉકરડામાં જઈને દાટી આવ્યા. પાછા ઘરે આવીને ડેલી બંધ કરીને ચુપચાપ બેસી રહ્યા. આ તરફ ગાય સીમમાં ચારો ચરવા ગઈ હતી. તે જેવી ઉકરડા પાસે પહોંચી કે તેનું માતૃહૃદય જાણી ગયું કે અહીં ક્યાંક તેનું સંતાન છે. તે ભાંભરતી ભાંભરતી ઉકરડામાં શિંગડા ભરાવવા લાગી અને શીંગડા મારતા જ હાંડલું ફૂટી ગયું અને ઠેકડો મારીને વાછરડો ઊભો થયો. ગાય વાછરડાને ચાટવા લાગી. આખા ગામમાં ઘઉંવર્ણા ગાય અને વાછરડો બીજે ક્યાંય ન હતા એટલે પૂજન કરવા ગામની સ્ત્રીઓ અહીંયા જ આવતી.

સાંજ પડતા જ બધી સ્ત્રીઓ ભેગી થઈ, ગાય અને વાછરડો બહાર હતા. જ્યારે  સાસુ વહુ ઘર બંધ કરીને બેસી રહ્યા હતા. વાછરડાના ગળામાં હાંડલાનો કાંઠલો. બધી સ્ત્રીઓ કહેવા લાગી આજે પૂજન કરવાનું હોય તો ગળામાં ફૂલનો હાર હોય કે હાંડલો? આ શું?

સ્ત્રોઓની આવી વાતો સાસુ વહુ ઘરમાં સાંભળતી હતી., તેમને એમ થયું કે ગામની સ્ત્રીઓ મહેણાં મારે છે. વહુએ હિંમત કરીને બહાર ડોકિયું કરીને જોયું કે ગાય વાછરડાને ચાટતી હતી. વહુએ સાસુને કહ્યું કે બા વાછરડો જીવતો છે, સાસુએ ઘઉલાને જીવતો જોઈને ફટાફટ બારણાં ખોલ્યા અને બહાર આવીને બધાને ઘઉંલા ની ઘટના કહી સંભળાવી.

સાસુએ બધી સ્ત્રીઓને કહ્યું તમારા વ્રતના પ્રતાપે અમારો ઘઉંલો સજીવન થયો છે. બધાએ ગાય અને વાછરડાની પૂજા કરી અને ગાયના કાનમાં કહ્યું, ગાય માતા તમારું સત્ અને અમારું વ્રત…

આ દિવસથી બોળચોથના દિવસે કોઈ સ્ત્રીએ દળવું, ખાંડવું કે સુધારવું નહીં એવો નિયમ લીધો. તેથી જ આ દિવસે સ્ત્રીઓ મગ અને બાજરીના રોટલા ખાઈને એકટાણું કરે છે. ગાય માતા માં 33 કરોડ દેવી દેવતા વસે છે. આજના દિવસે બહોળી સંખ્યામાં સ્ત્રીઓ રીત –  રિવાજ, માન્યતા કે શ્રદ્ધાથી ગાયનું પૂજન કરે છે

સાંજે ચાર વાગ્યે વાછરડા સાથેની ઘઉંવર્ણી ગાયનું પૂજન કરી તેના દોષમાંથી મુક્ત થવાય એ પણ રિવાજ છે. ગાયમાં 33 કરોડ દેવોનો વાસ હોવાથી અનેક જન્મનાં પાપોનો નાશ થાય છે. ગાયનું પુજન કરતાં પહેલાં ભુદેવ વૈદિક મંત્રો સાથે સંકલ્પ કરાવે છે. ત્યાર પછી ગાયના શિંગડા પર તેલ ચોપડી, મસ્તક પર તિલક અને રૂમાંથી બનાવેલા નાગલા ચઢાવી ગાયને બાજરી ખવડાવવામાં આવે છે. પૂંછડે જળનો અભિષેક કરી નમસ્કાર અને પ્રદક્ષિણા કરાય છે. આમ, આ પ્રકારે બોળ ચોથની પુજા અને વ્રત કરવામાં આવે છે

RELATED ARTICLES

Most Popular