Homeવિશ્વટેલિગ્રામના CEO પાવેલ દુરોવની ધરપકડ: રોકટોક વગર ગુનાહિત સામગ્રી ચલાવી

ટેલિગ્રામના CEO પાવેલ દુરોવની ધરપકડ: રોકટોક વગર ગુનાહિત સામગ્રી ચલાવી

વોટ્સઅપની હરીફ એપ ટેલિગ્રામના ફાઉન્ડર અને સીઈઓ પાવેલ દુરોવની ધરપકડ કરવામાં આવી છે.શનિવારે સાંજે પેરિસ બહાર બોર્ગેટ એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરવામાં આવી. ફ્રેન્ચ મીડિયાના અહેવાલ અનુસાર, દુરોવ પોતાના ખાનગી જેટમાં ફ્રાન્સ પહોંચ્યા હતા.

ટેલિગ્રામ પર કન્ટેન્ટ મોડરેટરના અભાવ અંગે ફ્રાન્સ પોલીસ તપાસ કરી રહી છે.પોલીસના જણાવ્યા અનુસાર, મોડરેટરના અભાવને કારણે મેસેજિંગ એપ્લિકેશન પર સક્રિય રીતે ગુનાહિત સામગ્રી (ક્રિમિનલ એક્ટિવિઝમ)ને અવરોધ વિના ચાલુ રહી છે. જેને લઈને દુરોવ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

હાલ આ મામલે ટેલિગ્રામ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ફ્રાન્સના ગૃહ મંત્રાલય કે પોલીસે આ અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. રશિયાના વિદેશ મંત્રાલયે પ્રશ્ન કર્યો છે કે શું પશ્ચિમી એનજીઓ (બિન-સરકારી સંસ્થાઓ) દુરોવની મુક્તિની માગ કરશે?

આતંકવાદીઓની પસંદગીની એપ
એક અહેવાલો અનુસાર, ISISએ 2015ના પેરિસ હુમલા માટે પોતાનો સંદેશ આપવા માટે ટેલિગ્રામનો ઉપયોગ કર્યો હતો.આ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં પોવેલે કહ્યું હતું કે ‘મને લાગે છે કે આતંકવાદ જેવી ખરાબ ઘટનાઓના ડર કરતાં ગોપનીયતાનો અધિકાર વધુ મહત્ત્વપૂર્ણ છે. ઓક્ટોબર 2015 સુધીમાં ISISની ટેલિગ્રામ ચેનલના 9 હજાર ફોલોઅર્સ થઈ ગયા હતા.જો કે નવેમ્બર 2015માં, ટેલિગ્રામે ISISનો પ્રચાર ફેલાવવા માટે વપરાતી 78 ચેનલને બ્લોક કરી હતી.

ઉલ્લેખનીય છે કે રશિયામાં રહેતા બે ભાઈઓ- પાવેલ દુરોવ અને નિકોલાઈ દુરોવે વર્ષ 2013માં ટેલિગ્રામની શરૂઆત કરી હતી. પહેલા iOS માટે અને પછી એન્ડ્રોઇડ માટે આ એપ લોન્ચ કરવામાં આવી હતી.આ એપ લોન્ચ કરવા પાછળનો મુખ્ય હેતુ વિશ્વને એક સુરક્ષિત અને વિશ્વસનીય મેસેજિંગ એપ આપવાનો હતો.પરંતુ આના માટે તેમને પોતાનો દેશ છોડવો પડ્યો હતો.​​​​​​

પાવેલેનું VK નેટવર્ક બન્યું હતું લોકપ્રિય
વર્ષ 2006માં સેન્ટ પીટર્સબર્ગ સ્ટેટ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરનાર પાવેલ દુરોવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડિઝાઇન કર્યું છે, જેને VKontakte નામ આપવામાં આવ્યું હતું.જે VK તરીકે પણ ઓળખાય છે. બે વર્ષથી ઓછા સમયમાં રશિયન સાયબર સ્પેસમાં VK સૌથી લોકપ્રિય નેટવર્ક બની ગયું.2010ના દાયકાની શરૂઆતમાં VKના 100 મિલિયન કરતાં વધુ યુઝર્સ હતા. ડિસેમ્બર 2011માં રશિયામાં સંસદીય ચૂંટણીનાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં હતાં. સુરક્ષા એજન્સીનું માનવું હતું કે વિરોધીઓ કોઓર્ડિનેટ કરવા માટે VK સાઇટનો ઉપયોગ કરી રહ્યા હતા. વર્તમાન સરકાર અને સુરક્ષા એજન્સીએ કંપનીને વિપક્ષના નેતાઓના પેજ દૂર કરવા કહ્યું, પરંતુ પોવેલે તેમ કરવાનો ઇનકાર કર્યો. તેણે એક કૂતરાની તસવીર ટ્વીટ કરીને જવાબ આપ્યો હતો. આ દરમિયાન Mail.ru કંપની VKને ખરીદવા માગતી હતી.

થોડા સમય પછી પોલીસે પાવેલના ઘર અને VKની ઓફિસ પર દરોડા પાડ્યા. થોડા દિવસો પછી, યુનાઈટેડ કેપિટલ પાર્ટનર્સે VKના 48% ટકા શેર્સ ખરીદી લીધા હતા. જાન્યુઆરી 2014માં પાવેલે તેના બાકીના 12% શેર Mail.ru ને વેચ્યા અને CEO તરીકે રાજીનામું આપીને રશિયા છોડી દીધું. રશિયા છોડ્યા પછી તેણે સુગર ઇન્ડસ્ટ્રી ડાઇવર્સિફિકેશન ફાઉન્ડેશનને 2 લાખ 50 હજાર ડોલર દાન કરીને સેન્ટ કિટ્સ અને નેવિસની નાગરિકતા લીધી. આ સાથે સ્વિસ બેંકોમાં 300 મિલિયન ડોલર રોકડ જમા કરવામાં આવી હતી.

જાસૂસીથી બચવા માટે ટેલિગ્રામની શરૂઆત
VK કંપનીમાં ચાલી રહેલા વિવાદ દરમિયાન પાવેલે ટેલિગ્રામ એપ ડિઝાઈન કરી.અને એ એપ ઈન્ક્રિપ્ટેડ મેસેજિંગ સિસ્ટમ તરીકે શરૂ થઈ. એની સ્થાપના એટલા માટે કરવામાં આવી હતી કે તેઓ રશિયન સુરક્ષા એજન્સીની જાસૂસી વિના એકબીજા સાથે વાત કરી શકે. પહેલાં 14 ઓગસ્ટ 2013ના રોજ iOS માટે અને ત્યાર બાદ 20 ઓક્ટોબર 2013ના રોજ Android માટે ટેલિગ્રામ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ માટેનું ભંડોળ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાવેલ દ્વારા આપવામાં આવ્યું હતું. અગાઉની કંપનીના શેર વેચવાથી મળેલાં તમામ નાણાં ટેલિગ્રામમાં રોકાણ કરવામાં આવ્યા હતા.તેમના ભાઈ નિકોલાઈએ કોડિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ઓક્ટોબર 2013 સુધીમાં,આ એપ્લિકેશનના 1 લાખ એક્ટિવ યુઝર હતા.માર્ચ 2014 સુધીમાં ટેલિગ્રામના 1.5 કરોડ ડેઈલી એક્ટિવ યુઝર હતા. 016 સુધીમાં એપ્લિકેશન પર દરરોજ 1500 કરોડ મેસેજ ફ્લો થવા લાગ્યા.

મીડિયા અહેવાલ પ્રમણે રશિયા છોડ્યા પછી શરૂઆતનાં કેટલાંક વર્ષોમાં પાવેલ તેના 15 કર્મચારી સાથે ઘણા દેશોમાં ફર્યો હતો.જે બાદ દુબઈમાં તેણે 2017માં પોતાનું હેડક્વાર્ટર સ્થાપ્યું.

ટેલિગ્રામ અને વ્હોટ્સએપ વચ્ચે હરિફાઈ
ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2021માં વ્હોટ્સએપે તેની પ્રાઈવસી પોલિસીમાં મોટો ફેરફાર કર્યો અને યુઝર્સને તેની પેરેન્ટ કંપની ફેસબુક સાથે ડેટા શેર કરવાની મંજૂરી માગી.જે બાદ ખૂબ ચર્ચાઓ થઈ હતી અને તેનો ફાયદો ટેલિગ્રામને મળ્યો.ઓગસ્ટ 2021 સુધીમાં ટેલિગ્રામની એપ વિશ્વભરમાં 100 કરોડ ડિવાઈસ પર ડાઉનલોડ થઈ હતી.જૂન 2022માં ટેલિગ્રામે 70 કરોડ મંથલી યુઝર્સનો આંકડો પાર કર્યો.જુલાઈ 2023 સુધીમાં ટેલિગ્રામે રશિયામાં સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન બની ગઈ હતી અને ડિસેમ્બર 2023 સુધીમાં ટેલિગ્રામનો રશિયામાં 46.8% માર્કેટ શેર હતા.

ફાયદો ન હોવા છતાં એપ ચાલુ રાખી
કંપની લોન્ચ થયાનાં લગભગ 7 વર્ષ પછી, એટલે કે 2020 સુધી કંપની કોઈ નફો કરી શકી ન હતી. એમ છતાં કંપનીએ તેની સર્વિસમાં ઘટાડો થવા દીધો નથી. કંપનીએ 2022માં પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સર્વિસ શરૂ કરી.એક મહિનાની અંદર 1 લાખથી વધુ લોકોએ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન લીધું. ત્યારથી કંપનીની આવકમાં તેજી આવી.
કંપનીના સ્થાપક પાવેલે કહ્યું હતું કે કેટલીક કંપનીઓએ ટેલિગ્રામને ખરીદવા માટે 25 હજાર કરોડ રૂપિયા સુધીની વેલ્યુએશન લગાવી હતી, પરંતુ તેમણે કંપનીને વેચવાનો ઇનકાર કર્યો હતો. કંપનીની વર્તમાન આવક 600 કરોડ રૂપિયાની આસપાસ છે.

RELATED ARTICLES

Most Popular