બોટાદના સાલૈયા ગામ પાસે આવેલી એક ગૌશાળામાં 40 જેટલા પશુઓના મૃત્યુ થતાં ખળભળાટ મચી ગયો છે. સાલૈયા ગામ પાસે ભુતડા દાદાના ડુંગર પર બાપુશ્રી સેવા ટ્રસ્ટનો આશ્રમ અને રાધિકા ગૌશાળા આવેલી છે. જે ગૌશાળામાં 29 ઓગસ્ટના રોજ 40થી વધુ પશુઓ મૃત્યુ પામ્યા હોવાની માહિતી છે. જેને લઈને આશ્રમના મહંત મિથિલાનંદ બાપુ ગુરુ ભાસ્કરાનંદ બાપુ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
આ પણ વાંચો – પોતાને નુકસાન ન થાય તે માટે તોડી નાખ્યું તળાવ

ગૌશાળામાં એક સાથે 40થી વધુ પશુઓના મૃત્યુ થતાં ખળભળાટ મચી ગયો હતો. આસપાસના ગામ લોકો અને જીવદયા પ્રેમીઓ ગૌશાળા ખાતે દોડી આવ્યા હતા. ઘટના અંગે જાણ કરવામાં આવતા બોટાદ પોલીસ અને મામલતદાર પણ આવી પહોંચ્યા હતા અને પશુઓના મૃત્યુ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ ગૌશાળામાં 500 જેટલા પશુઓ રાખવામાં આવે છે. 29 ઓગસ્ટના દિવસે તમામ પશુઓને ઘાસચારો અને પાણી આપવામાં નહોતું આવ્યું. તેમજ એક જ વાડામાં ક્રૂરતાપૂર્વક બાંધી રાખવામાં આવ્યા હતા. તેથી પશુઓનું મૃત્યુ થયું હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. મૃતક તમામ પશુઓને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ સામે આવ્યા બાદ ઢસા ગામના શૈલેન્દ્રસિંહ ઝાલા નામના વ્યક્તિએ આશ્રમના મહંત સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.