કલોલ ભાજપમાં આતંરિક ડખો સામે આવ્યો છે.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કોર્પોરેટરના પતિને લોકોએ લાફા મારતાં ખળભળાટ મચી ગયો છે. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વિકાસ કામો હાથ ધરવામાં આવનાર હતા. પરંતુ નગરપાલિકાના ભાજપના જ સત્તાધીશોએ આ કામો સામે અવરોધ ઊભો કર્યો. એ જ કામ માટે ફરીથી રીટેન્ડરિંગની પ્રક્રિયા કરી. જેને લઈને નાગરિકો રોષે ભરાયા.
લોકોએ સ્ટે. કમિટીના ચેરમેનને ઘેરી લીધા
રોષે ભરાયેલા લોકો અને ભાજપના જ કાર્યકરો રજૂઆત કરવા કચેરીએ પહોંચ્યા. રજૂઆત દરમિયાન વાતાવરણ ઉગ્ર બની ગયું. અને લોકોના ટોળાએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વરઘડેને તેમની ચેમ્બરમાં જ ઘેરી લીધા હતા. માથા પર ટપલીઓ મારી અને બાાદમાં લાફા ઝીંકી દીધા.
મહિલા કોર્પોરેટના પતિને પણ માર્યા લાફા
ભેગા થયેલા ટોળાંએ મહિલા કોર્પોરેટર ઉષાબેનના પતિને પણ લાફા ઝીંક્યા હતા. આ મામલે નગરપાલિકા તરફથી પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.માર મારનારા લોકો ધારાસભ્યના લોકો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મહિલાઓએ માટલા ફોડી કર્યો વિરોધ
બીજી તરફ કામો અટકતાં મહિલાઓએ નગર પાલિકામાં માટલાં ફોડી વિરોધ વ્યક્ત કર્યો હતો. નગરપાલિકાના સત્તાધીશોના નિર્ણયને કારણે કલોલ શહેરની સોસાયટીઓમાં પેવર બ્લોક સહિતની સુવિધાના કામો અટકી પડતાં નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કલોલ ભાજપનો આતંરિક ડખો સામે આવ્યો
આમ એક રીતે કહીએ તો કલોલમાં ભાજપમાં આંતરિક ડખો સામે આવ્યો છે. આ ઘટના અંગે કોર્પોરેટર શૈલેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું હતું, કે અમારી રિ-ટેન્ડરની માંગણી ન હતી પરંતુ શહેર સંગઠનના દબાણને કારણે અમે ફરી ટેન્ડરની માગ કરી હતી.

ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મંજૂર થયા હતા કામ
કલોલ નગરપાલિકામાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 7.30 કરોડના વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં સોસાયટીઓમાં પેવર બ્લોક અને સી.સી. રોડ બનાવવાની કામગીરી થવાની હતી. પરંતુ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર થયેલ કામનું રિ-ટેન્ડરિંગ માગવામાં આવતા કામ ખોરવાઈ ગયું હતું.