Homeધર્મસામા પાંચમ – ઋષિ પંચમીની વ્રત કથા; ઋષિ પંચમીની વાર્તા

સામા પાંચમ – ઋષિ પંચમીની વ્રત કથા; ઋષિ પંચમીની વાર્તા

ભાદરવા સુદ પાંચમના સામા પાંચમનું વ્રત કરવામાં આવે છે. મોટે ભાગે સ્ત્રીઓ રજોદર્શન દરમિયાન જાણે-અજાણે થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે. આ વ્રત ઋષિપંચમી તરીકે પણ ઓળખાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઊઠીને અઘેડાનું દાંતણ કરવું, આમળાના ચૂરણથી કેશ ધોવા અને શરીર પર માટી ચોળીને નહાવું. આ દિવસે સામો ખાવો, ફળાહાર કરવો. અનાજ ખાવું નહીં. સ્નાન કર્યા પછી મહાદેવજીની ભક્તિ ભાવથી પૂજા કરવી. આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું. ત્યાર બાદ તેનું ઉજવણું કરવું. ઉજવણી વખતે અરુંધતી સહિત સપ્તઋષિઓ – મહર્ષિ કશ્યપ, અત્રિ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, ગૌતમ, જમદગ્નિ, વસિષ્ઠનું ધ્યાન ધરવું અને પૂજા કરવી.. પછી બ્રાહ્મણોને જમાડી, યથાશક્તિ દાન-દક્ષિણા આપવી.

સામા પાંચમની વ્રત કથા:
વિદર્ભ દેશમાં ઉતંક નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની સુશીલા અને પુત્ર-પુત્રી સાથે રહેતો હતો. તેના પુત્રનું નામ સુવિભૂષણ હતું અને પુત્રીનું નામ સતમા હતું. બધાં આનંદથી રહેતા હતાં. સુશીલા ખરા ભાવથી પતિની સેવા કરતી અને ઉત્તંક પણ કોઈ રીતે સુશીલાને દુઃખ દેતો નહિ. સુવિભૂષણ મોટો થયો એટલે તેને આશ્રમમાં ભણવા મૂક્યો. તે પૂરા ધ્યાનથી વિદ્યાભ્યાસ કરતો અને ગુરુની તનમનથી સેવા કરતો. પુત્રી સતમા મોટી થઈ એટલે તેને પણ સારું ઘર જોઈ પરણાવી દીધી.

ઉતંકને હવે નિરાંત થઈ. તે સુખશાંતિથી પોતાનો નિર્વાહ ચલાવવા લાગ્યો. પરંતુ ઉતંકના ભાગ્યનું પાંદડું ઊંધું પડયું. દુર્ભાગ્યે તેની પુત્રી વિધવા થઈ ! પુત્રીના સાસરિયામાં કોઈ પણ આધાર ન હતો. એટલે તે દુઃખની મારી તે પિતાના ઘરે પાછી આવી. યુવાન પુત્રીનું દુઃખ જોઈ સુશીલા અને ઉતંક આકુળ-વ્યાકુળ થઈ જતાં, પણ વિધાતાની ઈચ્છા આગળ તેઓ નિરુપાય હતાં. સુવિભૂષણ વેદો, ઉપનિષદો અને સર્વ શાસ્ત્રોમાં પારંગત થયો અને ગુરુની આજ્ઞા લઈને પોતાને ઘરે આવ્યો.

એક દિવસે ઉતંકે સુવિભૂષણને કહ્યું: ‘બેટા ! હવે તું મોટો થયો છે, તારે હવે ઘરબાર સંભાળવાનાં છે. અમારી ઈચ્છા એ છે કે, અમે જીવનના છેલ્લા વર્ષો ગંગાકાંઠે પ્રભુ ભજનમાં ગાળીએ. બહેન સતમા પણ અમારી સાથે આવવાની છે !’
પિતાની વાત સાંભળી સુવિભૂષણે સંમતિ આપી અને ઘરનો બધી જવાબદારી સંભાળી લીધી.
ઉતંક, સુશીલા અને સતમા ત્યાંથી ગંગાજીએ જવા ચાલી નીકળ્યાં. ગંગાના રમણીય તીરે આશ્રમ બાંધી રહેવા લાગ્યાં. વિધવા પુત્રી સતમા માતાપિતાની સેવા-ચાકરી કરી પ્રભુભક્તિમાં પોતાના દિવસો વીતાવવા લાગી. દૂર-દૂરથી કેટલાય શિષ્યો ઉતંક પાસે વિદ્યાભ્યાસ કરવા આવવા લાગ્યા. ઉતંક તેમને નિસ્વાર્થ વિદ્યાભ્યાસ કરાવતો.

ઋષિ પાંચમની વ્રત કથા
ઋષિ પાંચમની વ્રત કથા

ઉનાળાનો સમય આવ્યો. પુત્રી સતમા બફારાને કારણે કામ કરતી કરતી થાકી ગઈ હતી. સાંજની ઠંડકમાં આરામ લેવાં તે એક ઝાડ નીચે પથ્થર પર સૂઈ ગઈ અને ઘસઘસાટ ઊંઘવા લાગી. તે ભરઊંઘમાં હતી એવામાં અચાનક તેના શરીરમાં અસંખ્ય કીડા પડી ગયા !

અચાનક એક શિષ્યની દ્રષ્ટિ તેના ઉપર પડી. પોતાના ગુરુની પુત્રીને કીડાથી ખદબદતી જોઈને તેને પણ કમકમાટી ઉપજી. તે દોડતો દોડતો આશ્રમમાં આવ્યો અને સુશીલાને કહેવા લાગ્યો: ‘માતાજી ! સતમા બહેનના શરીરે અસંખ્ય કીડા તરફડી રહ્યા છે. જરા જુઓ તો ખરાં !
શિષ્યની વાત સાંભળી સુશીલા હાંફળી-ફાંફળી દોડી. ઝાડ નીચે આવીને જુએ છે, તો પુત્રીના શરીરે અસંખ્ય કીડા ખદબદતા હતા. આ જોઈને તેને પણ આઘાત લાગ્યો. તેને પોતાના દેહનું ભાન ન રહ્યું અને મૂર્છા ખાઈને ભોંય પર ઢળી પડી.

થોડી વાર પછી ભાન આવતા તે પોતાની પુત્રીને લઈને આશ્રમમાં લઈ આવી. પુત્રીને પથારી ઉપર સુવડાવીને સુશીલા પોતાના પતિ ઉતંક પાસે ગઈ અને કહેવા લાગી :
‘નાથ ! જુઓ તો ખરા, એકાએક આપણી પુત્રીને શરીરે અસંખ્ય કીડા પડી ગયા છે! મારી સતી જેવી છોકરીને આ શું થયું? તેને એવાં કયાં પાપ નડયાં કે એની આવી ખરાબ હાલત થઈ!” આમ કહેતાં કહેતાં સુશીલાની આંખમાં આંસુ આવી ગયા.

સુશીલાને ધીરજ આપીને ઉતંક પુત્રી પાસે ગયો. થોડીવાર પછી શાંત ચિત્તે તેણે સમાધિ લગાવી અને પુત્રીના પૂર્વજન્મનાં કર્મો જોયાં.
થોડી વાર પછી આંખો ખોલીને તેણે પત્ની ને કહ્યું. ‘આપણી પુત્રી આ પહેલાંના સાતમે જન્મે બ્રાહ્મણી હતી. એક સમયે તે રજસ્વલા-ઋતુધર્મ ચૂકી ગઈ હતી. વાસણ-કુસણ તથા ઘરવખરીને અડકી હતી, એટલું જ નહીં પણ અન્ય યુવતીઓ ઋષિ પાંચમનું વ્રત કરતી હતી ત્યારે તે ત્યાં જોવા ગઈ હતી અને એ યુવતીઓની ઠેકડી ઉડાવી હતી. તેના પાપે એ આ જન્મમાં વિધવા થઈ અને અત્યારે તેના આવા હાલ થયા. જે પોતાનો ધર્મ ચૂકે અને બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે છે, તેમની આવી સ્થિતિ થાય છે તેથી ક્યારેય પણ બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા ન કરવી.’

સુશીલા બોલી ‘હે નાથ ! જે વ્રતનો અનાદર કરવાથી આપણી પુત્રીની આ દશા થઈ, શરીરમાં કીડા પડી ગયા, એ વ્રત કઈ રીતે થાય? તે આપ મને જણાવો.

ઉતંક બોલ્યો : ‘ભાદરવા મહિનાની અજવાળી પાંચમના દિવસે આ વ્રત થાય છે. સવારે વહેલા ઉઠી, નાહી-ધોઈને દીવો કરવો. દીવા આગળ ફળફળાદિનું નૈવેદ્ય ધરાવવું. અરુંધતી સહિત સાત ઋર્ષિનું ધ્યાન ધરવું અને તેમની કથા સાંભળવી. એ દિવસે સામો, ફળફળાદિ જ ખાવા. બ્રહ્મચર્ય પાળવું. આ પ્રમાણે વ્રત કરવાથી રજસ્વલા ધર્મની ભૂલથી થયેલા દોષો નાશ પામે છે. આ લોક તથા પરલોકમાં સુખ મળે છે.’

ઉતંકની વાત સાંભળીને સતમા અને સુશીલાએ એ જ ઘડીએ ઋષિ પાંચમનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો.
મનમાં નિશ્ચય કરતાંની સાથે સતમાના શરીરની પીડા ઓછી થવા લાગી. થોડા દિવસો બાદ ભદરવો મહિનો આવતા મા, પુત્રી બંનેએ શ્રદ્ધા પૂર્વક ઋષિ પાંચમનું વ્રત કર્યું. જેનાથી સતમાની કાયા કંચન જેવી થઈ ગઈ. તેણે પ્રતિજ્ઞા કરી કે, હવે તે દર વર્ષે ઋષિ પાંચમનું વ્રત કરશે અને ગુરુજનોની આજ્ઞા પાળીશ.

RELATED ARTICLES

Most Popular