ભાદરવા સુદ ચૌદશને અનંત ચતુર્દશી કહેવામાં આવે છે. અનંત ચતુર્દશીના દિવસે ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુનું એક નામ અનંત પણ છે. આ દિવસે મહિલાઓ સૌભાગ્યની રક્ષા અને સુખ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ માટે વ્રત કરે છે.
અનંત ચતુર્દશીના વ્રતની વિધિ –
આ વ્રત કરનારે સવારે સૂર્યોદર પહેલાં ઊઠી જવું. સ્નાન કર્યા પછી, સ્વચ્છ વસ્ત્રો પહેરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી. ભગવાન વિષ્ણુની સામે 14 ગ્રંથિયુક્ત અનંત સૂત્ર (14 ગાંઠ વાળો દોરો) મૂકીને ભગવાન વિષ્ણુની સાથે તેની પણ પૂજા કરવી.
ભગવાન વિષ્ણુ અને અનંત સૂત્રને પંચામૃતથી અને પછી ગંગાજળથી સ્નાન કરાવી, ચંદનનો ચાંલ્લો કરવો. ફૂલ ચડાવવા. નૈવેદ્ય ધરાવવું અને અગરબત્તી કે ધૂપ કરી દીવા વડે આરતી ઉતારવી. જે બાદ ઓમ અનંતાય નમ: મંત્રની માળા કરવી. પૂજા કર્યા પછી આ પ્રાર્થના કરવી-
अनंतसागरमहासमुद्रेमग्नान्समभ्युद्धरवासुदेव।
अनंतरूपेविनियोजितात्माह्यनन्तरूपायनमोनमस्ते॥
પ્રાર્થના કર્યા પછી કથા સાંભળવી તથા રક્ષાસૂત્ર પુરુષના જમણાં હાથમાં અને મહિલાઓએ ડાબા હાથમાં ઉપરનો મંત્ર બોલતાં બોલતાં બાંધવું.
ત્યાર પછી બ્રાહ્મણને ભોજન કરાવી અને તેમને દાન આપ્યાં પછી વ્રત કરનારે ભોજન કરવું. આ દિવસે મીઠા વિનાનું ભોજન કરવું જોઇએ.
અનંત ચતુર્દશીની વ્રત કથા:-
વર્ષો પહેલાં એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતાં હતાં. બ્રાહ્મણનું નામ સુમંત અને બ્રાહ્મણીનું નામ દીક્ષા હતું.
તેમને એક પુત્રી હતી. પુત્રીનું નામ શીલા હતું. શીલાના ભાગ્યમાં પહેલાં થી જ દુઃખ લખાયેલું હતું. માતા દીક્ષા શીલાને નાની મૂકીને મૃત્યુ પામી! સુમંતે થોડા સમય પછી બીજા લગ્ન કર્યા. તેની બીજી પત્નીનું નામ કર્કશા હતું. કર્કશા ખરેખર કર્કશા હતી. તે શીલા ઉપર વેર રાખતી. કર્કશા ઠકરાણી થઈને ફરતી અને બધું કામ શીલા પાસે કરાવતી. શીલા ઘરકામમાંથી ઊંચી જ ન આવતી.
આટલું બધું કામ કરવા છતાં શીલાને જશને માથે જૂતા મળતાં. મિજાજ જાય તો કર્કશા પેટ ભરીને ગાળો સંભળાવે અને શીલામૂંગે મોઢે બધું સહન કરતી.
જેમ જેમ શીલા મોટી થઈ તેમ તેમ તેનામાં સમજ આવવા લાગી. સુમંત તેના લગ્ન માટે યોગ્ય યુવાનની શોધમાં હતો, એટલામાં મહામુનિ કૌંડિન્ય ત્યાં આવી ચડ્યા. તેમણે શીલાનું માગું નાખ્યું. સુમંતે રાજી થઈને હા પાડી.
શીલા અને કોંડિન્ય મુનિનાં લગ્ન થયા. શીલાને સાસરે વળાવવાનો સમય થયો, સુમંતે કર્કશાને કહ્યું : ‘દીકરીને સવારે વળાવવાની છે, દીકરી અને જમાઈને કાંઈક આપીએ તો સારું.’ આ સાંભળતાં જ કર્કશા તાડૂકી ઉઠી : ‘તમારી દીકરી કાજે મારે મારું ઘર નથી લૂંટાવવું. મારા ઘરમાંથી હું એક ફૂટી કોડી પણ નહીં આપું.’
સુમંતની ઘણી ઈચ્છા હતી પણ કર્કશા આગળ તેનું કાંઈ ન ચાલ્યું. આખરે સાસરવાસો આપ્યા વિના દીકરીને વિદાય કરી.
કૌડિન્ય મુનિ અને શીલા વેલમાં બેસીને જઈ રહ્યા હતાં. માર્ગમાં યમુના નદી આવી. કૌંડિન્ય મુનિએ યમુના કાંઠે વેલ ઊભી રાખી અને બળદ છોડ્યા. શીલા પાણી પીવા નદીને આરે ગઈ. ત્યાં તેણે જોયું કે સરખી સહિયરો નદી કાંઠે પૂજન કરતી હતી, શીલાએ પૂછ્યું: ‘બહેન ! તમે શાનું વ્રત કરો છો’
છોકરીઓ બોલી : ‘બહેન ! અમે ભગવાન અનંતનું વ્રત કરીએ છીએ. ભગવાન અનંતનું જે વ્રત કરે છે, તેને કોઈ જાતનું દુઃખ રહેતું નથી.’
શીલાએ કહ્યું : ‘બહેન ! મને વ્રતની વિધિ કહો ને’
‘ભલે!” એમ કહી એક છોકરીએ રેશમી દોરાને ચૌદ ગાંઠો વાળી કંકુથી રંગ્યો અને ભગવાન અનંતનું નામ લઈ શીલાને હાથે બાંધ્યો.’ થોડોક આરામ કરી ફરી વેલ જોડી કૌંડિન્ય મુનિ શીલાને લઈને ઘરે આવ્યાં.
ભગવાન અનંતની કૃપાથી તેમના ઘરમાં કોઈ વાતની ખામી ન રહી, તેમની સુખ-સંપત્તિ દિવસે દિવસે વધતી ગઈ. એક દિવસ શીલાએ કહ્યું : ‘નાથ ! આ બધું ભગવાન અનંતના પ્રતાપે છે.’ શીલાની વાત સાંભળી કૌડિન્ય મુનિ રોષે ભરાયા અને કહ્યું: ‘આ બધી સંપત્તિ મારા પરિશ્રમને લીધે છે.’
બંને વચ્ચે વાદ વિવાદ વધી પડયો. મુનિ ક્રોધે ભરાયા અને આવેશમાં આવીને શીલાના હાથમાં બાંધેલો અનંત વ્રતનો દોરો તોડી નાંખ્યો. શીલાએ દોરાને ઝટ ઉપાડી લીધો અને દૂધમાં નાંખ્યો. પણ કૌડિન્યને વિપરીત બુદ્ધિ સૂઝી હતી, એટલે તેણે દૂધમાંથી પણ એ દોરો કાઢી ચૂલામાં નાંખી સળગાવી દીધો.
આ દિવસથી કૌડિન્યનું ભાગ્ય પલટાઈ ગયું. એક પછી એક સંકટો આવવા લાગ્યાં. ઘડીમાં તેની સુખસમૃદ્ધિ નાશ પામી. કૌડિન્યની ભારે અવદશા બેઠી ! પોતે કરેલા કૃત્ય માટે તેને પસ્તાવો થયો પણ હવે શું થાય?
પોતાના પતિને આવી દુ:ખી અવસ્થામાં જોઈ શીલાએ ધીરજ આપી અને કહ્યું : ‘નાથ ! ‘ચાલો, આપણે ભગવાન અનંતની શોધમાં જઈએ. ભગવાન દયાળુ છે. તેઓ અવશ્ય આપણા સામું જોશે.’
પતિ-પત્ની દ્રઢ નિશ્ચય કરી ભગવાનની શોધમાં ચાલી નીકળ્યાં. વનવગડા ખૂંદતાં ખૂંદતાં તેઓ ઘણે ફર્યાં, પણ ભગવાન મળ્યા નહિ. પણ કૌડિન્યએ નિશ્ચય કર્યો કે, ભગવાન મળે તો જ પાછા ફરવું.
જતાં જતાં માર્ગમાં એક આંબો આવ્યો, નવાઈની વાત એ હતી કે, આંબાનું ઝાડ મોટું અને ઘટાદાર હોવા છતાં કોઈ પક્ષી તેના ઉપર વિસામો લેવા નહોતું બેસતું. આંબાને જોઈ કૌડિન્યે પૂછ્યું : ‘આંબા રે આંબા ! ક્યાંય અનંત ભગવાનને જોયા.’
આંબો બોલ્યો : ‘ભાઈ ! મેં જોયા હોત તો હું ન પૂછત કે, મેં એવાં શાં પાપ કર્યાં છે કે, કોઈ ચકલુંયે મારો વિસામો લેતું નથી.’ કૌડિન્ય અને શીલા નિરાશ થઈ આગળ ચાલ્યાં. રસ્તામાં એક ગાય આવી. કૌડિન્યે ગાયને પૂછ્યું : ‘ગાય રે ગાય ! ક્યાંય અનંત ભગવાનને જોયા છે?’
ગાય બોલી : ‘ભાઈ ! મેં ભગવાનને જોયા હોત તો હું જ મારા દુઃખનો ઉપાય પૂછત. મારા આંચળ દૂધથી ફાટ ફાટ થાય છે, પણ મારું દૂધ કોઈ પીતું નથી. કોણ જાણે મેં એવાં શાં પાપ કર્યાં હશે ?’ તેઓ આગળ ચાલ્યાં. રસ્તામાં એક બળદ મળ્યો. મુનિએ બળદને પૂછ્યું: ‘બળદ, ઓ બળદ ! ક્યાંય ભગવાન અનંતને જોયા?’
બળદ બોલ્યો: ‘મેં ભગવાન અનંતને જોયા નથી. જુઓને! ચારેકોર કેટલું લીલું ઘાસ છે, પણ મારાથી એક તરણું ય ખવાતું નથી. મેં એવાં શાં પાપ કર્યાં હશે? અનંત ભગવાન મળે તો આટલું પૂછતા આવજો.’
કૌડિન્ય અને શીલા વનમાં પશુપક્ષીઓને પૂછતાં પૂછતાં ચાલ્યાં જાય છે, પણ ક્યાંય ભગવાન અનંતની ભાળ મળતી નથી. તેઓ ભૂખ, તરસ, થાક ને ઉજાગરાને લીધે આકળવિકળ થઈ ગયાં, કૌડિન્યને હવે કોઈ આશા ન રહી. છેવટે નિરાશ થઈને તેમણે આપઘાત કરવાનું નક્કી કર્યું. શીલા પણ થાકીને લોથપોથ થઈ ગઈ હતી. તે એક ઝાડ નીચે વિસામો લેવા બેઠી ! ત્યાં તેને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. આ સમયનો લાભ લઈ કૌડિન્યે એક ઝાડની ડાળે ગળાફાંસો બાંધ્યો. કૌંડિન્ય જ્યાં ગળાફાંસો ખાવા જાય છે, ત્યાં એક વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું: ‘હે ભાઈ! તું કેમ ફાંસો ખાય છે તને શેનું દુઃખ છે’ કૌડિન્ય બોલ્યો : ‘બાપજી, મારા દુઃખનો પાર નથી, મારે ભગવાન અનંતનાં દર્શન કરવાં છે. પણ એ નથી મળી રહ્યા એટલે જિંદગી ટૂંકાવી રહ્યો છું.’
બ્રાહ્મણે કૌડિન્યને ધીરજ આપી અને ચાલ મારી સાથે એમ કહી તેને બ્રાહ્મણ તેને પાતાળમાં લઈ ગયા. પાતાળમાં જઈને જુએ છે, તો શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરી ભગવાન અનંત બિરાજેલા હતા. કૌડિન્ય ભગવાનને જોઈ તેમના ચરણોમાં ઢળી પડ્યો અને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો, ભગવાને તેને આશ્વાસન આપી શાંત કર્યો અને કહ્યું :
‘હે મુનિ ! નિરાશ ન થાવ. તમે ચૌદ વર્ષ સુધી અનંત ચતુર્દશીનું વ્રત કરજો. તમારાં સર્વ સંકટ દૂર થશે, સુખ-સમૃદ્ધિ પામશો અને મૃત્યુ પછી તમને મોક્ષ મળશે.’
ભગવાનનાં વચનો સાંભળી કૌડિન્યને આનંદ થયો. તેણે નમ્રતાથી આંબો, ગાય અને બળદની વાત પૂછી. ભગવાને કહ્યું: ‘તેં જે આંબો જોયો તે ગયા ભવમાં બ્રાહ્મણ હતો. તે વિદ્યા ભણ્યો પણ કોઈને ભણાવી નહિ. એ પાપે તેની આવી દશા છે. જે ગાય જોઈ તે પૃથ્વી હતી અને બળદ જોયો તે ધર્મ હતો. લોકોના પાપે ધર્મ અને પૃથ્વીની આવી દશા થઈ છે.”
ભગવાનના આશીર્વાદ લઈ કૌડિન્ય મુનિ ત્યાંથી ચાલી નીકળ્યા અને શીલા પાસે આવ્યા. તેમણે બધી વાત કરી. બંને જણાં રાજી થઈ ઘરે આવ્યા અને અનંત ચતુર્દશીનું વ્રત શરૂ કર્યું. વ્રતના પ્રભાવે તેમની ગયેલી સંપત્તિ પાછી આવી. તેમને કોઈ વાતનું દુ:ખ રહ્યું નહિ. જે કોઈ અનંત ચૌદશનું વ્રત કરશે; તેના ઉપર ભગવાન પ્રસન્ન થશે અને તેના ઘરમાં સુખ-સમૃદ્ધિની ખોટ નહિ રહે.