સુરત જિલ્લાના કામરેજ ટોલ પ્લાઝા પાસે ગંભીર અકસ્માત સર્જાયો. એક ટ્રાવેલ્સ બસના ચાલકે નાનાં-મોટાં 7થી 8 વાહનોને અડફેટે લીધાં.જો કે ટ્રાવેલ્સ બસનો ચાલક અકસ્માત સર્જીને ફરાર થાય એ પહેલાં કામરેજ ચાર રસ્તા પાસે લોકોએ તેને ઝડપી લઈને પોલીસને સોંપ્યો. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયાની પણ આશંકા સેવાઈ રહી છે.

મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે-48 પર કનૈયા ટ્રાવેલ્સની બસ બેફામ બની હતી. કામરેજ ટોલ પ્લાઝાથી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને વાહનોને અડફેટે લેતાં તે કામરેજ સુધી આવ્યો. જેમાં કાર, બાઈક, રિક્ષા સહિતનાં 7થી 8 વાહનોને અડફેટે લીધા હતા. આ બસ ગુંદા, જામનગર થઈ સુરત આવી રહી હતી. લોકોએ બસના ચાલકને પકડી પાડી પોલીસને સોંપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રત્યક્ષદર્શીએ જણાવ્યા પ્રમાણે બસચાલક પૂરઝડપે આવી રહ્યો હતો એ દરમિયાન રસ્તામાં જે લોકો અને વાહનો હતા તેને અડફેટે લીધા હતા.જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. તેમજ બે મહિલાઓને ઈજા પહોંચી છે. બસચાલક દારૂના નશામાં હોવાનું કહેવાઈ રહ્યું છે.