રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે આગાહી સાચી પડી છે. આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરાણમાં પલટો આવ્યો છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

અમદાવાદમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો. સવારથી વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું. તો કેટલીક જગ્યાએ છાંટા પડ્યા. વાડજ, નિર્ણયનગર, દૂધેશ્વર, ઉસ્માનપુરા, ઇન્કમટેક્સ વગેરે વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો. અરવલ્લી જિલ્લામાં પણ વહેલી સવારથી કમોસમી વરસાદ પડવા લાગ્યો. માલપુર, મોડાસા, મેઘરજ, ભિલોડા પંથકમાં ભારે ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો. કમોસમી વરસાદ થતાં બાજરી, જુવાર અને ઘાસચારાને નુકસાન જવાની ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે.