Homeગુજરાતવિશ્વ મહિલા દિવસ: જૂનાગઢની આ યુવતીઓનું કાર્ય અન્ય મહિલાઓને પ્રેરણા પૂરી પાડે...

વિશ્વ મહિલા દિવસ: જૂનાગઢની આ યુવતીઓનું કાર્ય અન્ય મહિલાઓને પ્રેરણા પૂરી પાડે છે

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે એક એવી મહિલાઓની વાત કરીએ જે જૂનાગઢમાં આવેલા ગિરનારની ગોદમાં પ્રકૃતિ અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વાઈલ્ડ લાઈફ’માં આ યુવતીઓ સંશોધન કરી રહી છે. જેમાંની એક યુવતીનું નામ છે ભાગ્યશ્રી ડાંગર. જેઓ ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વાઈલ્ડ લાઈફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝ’માં જુનિયર રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. છેલ્લા 4 વર્ષથી તેઓ ગિરનાર વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીના ઊંડાણપૂર્વકના વિસ્તારોમાં લાઈકેન અને શેવાળ જેવી અત્યંત દુર્લભ દ્વિઅંગી વનસ્પતિઓ પર સંશોધન કરી રહ્યા છે. આ વનસ્પતિઓ પર્યાવરણની શુદ્ધતા માપવા માટે કુદરતી સૂચક તરીકે કામ કરે છે.


કોરોનાકાળ અને પૂર જેવી કુદરતી આફતોમાં પણ ગિરનારના જંગલોમાં રહીને ડેટા એકત્રિત કરવાની તેમની ધગશ જોઈને સૌ કોઈ તેમને ‘ગિરનારનું GPS’ કહેવા લાગ્યા છે. તેમની પાસે ગિરનારના એવા વિસ્તારોની ભૌગોલિક જાણકારી છે જે ભાગ્યે જ કોઈ પાસે હોય.


સખી

બીજી તરફ, WCB રિસર્ચ ફાઉન્ડેશનના વાઈલ્ડ લાઈફ માઇક્રોબાયોલોજિસ્ટ સખીએ પણ અનોખી રાહ કંડારી છે. સામાન્ય રીતે લોકો માનતા હોય છે કે માઈક્રોબાયોલોજીના વિદ્યાર્થીઓ માત્ર લેબોરેટરી કે પેથોલોજી સેન્ટર સુધી જ સીમિત રહેવા જોઈએ, પરંતુ તેમણે આ રૂઢિચુસ્ત માનસિકતાને ફગાવી દીધી છે. તેઓ હાલમાં લુપ્ત થતી વન્ય પ્રજાતિઓ, ખાસ કરીને રીંછના આંતરડાના સૂક્ષ્મ જીવાણુઓ પર ગહન સંશોધન કરી રહ્યા છે. વન્ય જીવોના સ્વાસ્થ્ય અને તેમના સંરક્ષણ માટે સૂક્ષ્મ જીવાણુઓનો અભ્યાસ કેવી રીતે મદદરૂપ થઈ શકે, તે દિશામાં તેમનું મૌલિક કાર્ય આજે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.


ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડાયરેક્ટર ડો. નિષિધ ધારૈયા મહિલાઓના આ પ્રદાનને બિરદાવતા જણાવે છે કે, આજના યુગમાં દીકરીઓ દીકરાઓની સમકક્ષ જ છે. ગુજરાત સરકાર દ્વારા પ્રાપ્ત ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વાઈલ્ડ લાઈફ’ના માધ્યમથી અનેક દીકરીઓ વહેલી સવાર કે મોડી રાત સુધી જંગલના જટિલ વિસ્તારોમાં જઈને સેમ્પલ કલેક્શન અને ટ્રેકિંગ જેવા સાહસિક કાર્યો કરી રહી છે. દીકરીઓના આ આંતરરાષ્ટ્રીય સ્તરના સંશોધનો યુનિવર્સિટીનું ગૌરવ વધારી રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular