સામાન્ય રીતે લગ્ન એ દરેક માટે જીવનનો મોટો અને વિશેષ પ્રસંગ હોય છે. લગ્નના દિવસને લઈને યુવક અને યુવતી ઘણા ઉત્સુક હોય છે. યુવક પોતે વરરાજો બનવાનો છે અને યુવતી દુલ્હન બનવાની છે એ વાતને લઈને બંનેમાં ઘણી ઉત્સુકતા હોય છે. માત્ર યુવક અને યુવતી જ નહીં પણ બંનેના પરિવારજનોમાં પણ ઘણી ખુશી હોય છે કે તેમનો લાડકો કે લાડકી પરણવા જઈ રહ્યા છે.
લગ્નના દિવસે કેવા કપડાં પહેરવા, કેવું તૈયાર થવું તેને લઈને બંને પક્ષે ઘણા દિવસથી તૈયારીઓ થવા લાગે છે. કોઈ પણ વાતમાં જરા પણ કચાશ ન રહી જાય તે પ્રકારની તૈયારીઓ થતી હોય છે. વર વહુને શોભે તેવા પ્રકારના ફૂલહાર ખરીદવામાં આવે છે. અને જ્યારે આ ફૂલહાર પહેરાવાનો વારો આવે ત્યારે વર પક્ષના લોકો યુવકને ઊંચો કરતા હોય છે. અને થોડી ગમ્મત કરતા હોય છે તેવી જ રીતે કન્યા પક્ષના લોકો કન્યાને થોડી ઊંચી કરીને થોડી વાર ગમ્મત કરતા હોય છે. જે બાદ બંને એકબીજાને ફૂલહાર પહેરાવે છે અને વિધિ આગળ વધે છે.
પરંતુ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુવક યુવતીને ધક્કો મારીને પાડી દે છે. વરરાજા દુલ્હનને ફૂલહાર પહેરાવવા જાય છે અને દુલ્હન થોડી પાછળ નમે છે. એટલામાં તો વરરાજા ખૂબ ગુસ્સે ભરાઈ જાય છે અને યુવતીને ધક્કો મારીને પાડી દે છે. જે બાદ પોતે પણ પોતાનો હાર અને પાઘડી કાઢીને યુવતી પર ફેંકે છે. આ ઘટના સાચી છે કે માત્ર વીડિયો બનાવવા માટે આવું નાટક કરવામાં આવ્યું છે તે અંગે કોઈ જાણકારી નથી મળી. પરંતુ આ વીડિયો સોશીયલ મીડિયામાં ઘણો જોવાઈ રહ્યો છે.