Homeદેશપશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં 135ની ઝડપે ટકરાયું ચક્રવાત રેમલ; 4 કલાક સુધી...

પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં 135ની ઝડપે ટકરાયું ચક્રવાત રેમલ; 4 કલાક સુધી ચાલી લેન્ડફોલની પ્રક્રિયા

દરિયામાં સર્જાયેલું ચક્રવાત રેમલ રવિવારે રાતે પશ્ચિમ બંગાળના કેનિંગ અને બાંગ્લાદેશના મોંગલામાં ટકરાયું હતું. જ્યારે ચક્રવાત ટકરાયું ત્યારે તેની ઝડપ 135 કિમી પ્રતિ કલાકની હતી. લેન્ડ ફોલની પ્રક્રિયા 4 કલાક સુધી ચાલી આ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. પૂર્વ મેદિનીપુર, દીઘા, કાકદ્વીપ, જયનગર, કોલકાતા, હુગલી ,ઉત્તર અને દક્ષિણ 24 પરગણા અને હાવડાના દરિયાકાંઠાના વિસ્તારોમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો તથા વરસાદ વરસ્યો હતો.

ચક્રવાતને કારણે કોલકાતામાં 100થી વધુ વૃક્ષો તેમજ વીજળીના થાંભલા ધરાશાયી થઈ ગયા. રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. કોલકાતા અને સુંદરવનમાં બે લોકોના મોત થયાના પણ અહેવાલ છે. કોલકાતાના સુભાષ ચંદ્ર બોઝ એરપોર્ટ પર 21 કલાક સુધી ફ્લાઈટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. જેમાં 394 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

બાંગ્લાદેશમાં પણ વાવાઝોડાની ભારે અસર જોવા મળી. ઢાકાના મીડિયા અહેવાલ અનુસાર બાંગ્લાદેશમાં તોફાનના કારણે 7 લોકોના મૃત્યુ થયા છે. તોફાનને કારણે સરકારે 1.5 કરોડ લોકોના ઘરની વીજળી બંધ કરી દીધી હતી.

હવામાન વિભાગનુ શું કહેવું છે?

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચક્રવાત ‘રેમલ’ સોમવારે સવારે નબળું પડી ગયું હતું અને તોફાનમાં ફેરવાયું હતું.  જે બાદ તે 15 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધ્યું. બંગાળને અડીને આવેલા ત્રિપુરા, આસામ, મેઘાલય અને સિક્કિમમાં પણ તેની અસર જોવા મળશે. જો કે, ત્યાં સુધીમાં તે ઘણું નબળું પડી ગયું હશે. તોફાનના કારણે પશ્ચિમ બંગાળ ઉપરાંત ઓડિશા, ઝારખંડ અને બિહારના કેટલાક વિસ્તારોમાં 27 અને 28 મેના રોજ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

તોફાન આવતા પહેલાં બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ 1.10 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ આશ્રયસ્થાનોમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગના લોકો દક્ષિણ 24 પરગણા જિલ્લાના હતા.  ચક્રવાતને કારણે કારણે, કોલકાતા, ઉત્તર 24 પરગણા સહિત પશ્ચિમ બંગાળના અન્ય શહેરોમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે રસ્તા પણ બ્લોક થઈ ગયા હતા.

મહાનગર પાલિકાની ટીમ, પોલીસની ટીમ, એનડીઆરએફની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ બચાવકાર્યમાં તહેનાત હતી. જે ટીમે તાત્કાલિક વૃક્ષો કાપીને રસ્તા સાફ કરાવ્યા હતા. કોલકાતાને અડીને આવેલા નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં. જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

RELATED ARTICLES

Most Popular