અમદાવાદમાં IIMમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ. MBAના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. મૂળ તેલંગાણાનો વિદ્યાર્થી IIM અમદાવાદમાં MBAનો અભ્યાસ કરતો હતો. ઘટના અંગે જાણ થતાં IIMના અધિકારીઓ તથા વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને વિદ્યાર્થીના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ મોકલવામાં આવ્યો. પોલીસે વિદ્યાર્થીના આપઘાત અંગેનું કારણ જાણવા તપાસ હાથ ધરી.
આ પણ વાંચો – આરોપીને લઈ જઈ રહેલી પોલીસની કારનો અકસ્માત, એક પોલીસકર્મીનું મોત

ગુરુવારે બપોરના સમયે IIMના વિદ્યાર્થીઓ પોતપોતાના પ્રોજેક્ટ અને કામમાં વ્યસ્ત હતા. વરસાદ બંધ થયા બાદ કેટલાક વિદ્યાર્થીઓ પરિસરમાં રમી રહ્યા હતા. દરમિયાન હોસ્ટેલમાંથી કેટલાક વિદ્યાર્થીઓ બૂમો પાડવા લાગ્યા. જેથી અન્ય વિદ્યાર્થીઓ હોસ્ટેલ તરફ દોડી ગયા અને જોયું તો રૂમમાં અક્ષિત નામના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થીઓએ હોસ્ટેલના રેક્ટર અને IIMના સંચાલકોને જાણ કરતા તેઓ હોસ્ટેલ પર દોડી આવ્યા હતા.

મૃતક વિદ્યાર્થી MBAનો અભ્યાસ કરતો હતો
આપઘાત કરનાર વિદ્યાર્થીનું નામ અક્ષિત હેમંત ભૂખિયા હતું. જેની ઉંમર 23 વર્ષની હતી. તે ઉત્સાહી તેમજ અભ્યાસમાં પણ અત્યંત તેજસ્વી હતો. આમ છતાં તેણે ક્યા કારણોસર આપઘાત કર્યો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ઉત્સાહી અક્ષિત આગામી દિવસોમાં કેમ્પસમાં યોજાનારી એક ખાસ ઇવેન્ટનું સંપૂર્ણ મેનેજમેન્ટ પણ સંભાળવાનો હતો.
વિદ્યાર્થીના રૂમમાંથી કોઈ સ્યુસાઈડ નોટ નથી મળી
વસ્ત્રાપુરના ઇન્ચાર્જ પીઆઇએ જણાવ્યું કે બપોરે પોણા ચાર વાગ્યા આસપાસ કંટ્રોલ રૂમને આત્મહત્યા અંગેનો કોલ મળ્યો હતો. તેથી પોલીસ આઈઆઈએમ પહોંચી ગઈ હતી. જ્યાં જઈને જોયું તો વિદ્યાર્થીનો મૃતદેહ પંખા સાથે લટકી રહ્યો હતો. વિદ્યાર્થીના રૂમમાંથી કોઈ સ્યુસાઇડ નોટ નથી મળી, પરંતુ મૃતકનો મોબાઈલ અને લેપટોપ કબજે કરીને તપાસ કરવામાં આવી રહી છે.
વડોદરાની MS યુનિ.માં પણ વિદ્યાર્થીએ કર્યો હતો આપઘાત
ઉલ્લેખનીય છે કે 25 સપ્ટેમ્બરે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પણ સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા પોરબંદરના 18 વર્ષીય વિદ્યાર્થીએ હોસ્ટેલમાં પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક વિદ્યાર્થીનું નામ વિવેક કરંગિયા હતું. જે મૂળ પોરબંદરના કંડોરણા તાલુકાના રાણા ગામનો વતની હતો. આ બનાવ અંગે ફતેગંજ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તપાસ કરતાં પોલીસને સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે – મેં મારી જાતે આ પગલું ભર્યું છે આમાં કોઈનો વાંક નથી.