તમે બાઈક લઈને જઈ રહ્યા હો અને કોઈ તમારી પાછળ બેસેલું હોય તો હવે તેને પણ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે આકરી ટકોર કરી છે.
અમદાવાદમાં પોલિટેક્નિકથી આઈઆઈએમ વચ્ચેના ઓવરબ્રિજને લઈને જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ટ્રાફિકની સમસ્યા મુદ્દે ટકોર કરી. કોર્ટમાં એસજી હાઈવે ઉપરના બ્રિજ તેમજ અયોગ્ય પ્લાનિંગ પર ચર્ચા કરવામાં આવી હતી. ચીફ જજે નોધ્યું કે અમદાવાદમાં કોઈ હેલ્મેટ પહેરતું નથી. હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવા માટે ઓથોરિટી શું પગલાં લેશે? કોર્ટે જણાવ્યું કે આગામી 15 દિવસમાં ટૂ-વ્હીલર વાહનચાલકો અને તેની પાછળ બેસનારા માટે હેલ્મેટ પહેરવાનો અમલ ફરજિયાત રીતે કરાવવામાં આવે.

શહેરમાં ટ્રાફિક અને રોંગ સાઇડ આવતાં વાહનોને કંટ્રોલ કરવામાં આવે. એસ.જી હાઇવે પર એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર અકસ્માત અને વધુ અકસ્માતનાં સ્થળો ઉપર વોચ રાખીને નિવારક પગલાં લેવામાં આવે. જ્યાં વધુ ટ્રાફિક થતો હોય તેવા એરિયામાં ટ્રાફિક- પોલીસ દ્વારા સવાર-સાંજ કામ કરવામાં આવે. રોંગ સાઇડ આવતાં વાહનોને દંડ કરાય તેમજ સાઈન બોર્ડ પણ મૂકવામાં આવે.
અમદાવાદમાં જુદા જુદા રોડ પર થતી ટ્રાફિકની સમસ્યા તેમજ અકસ્માત અંગે પણ હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં હાઈકોર્ટે અકસ્માતો રોકવા માટે પગલાં લેવા અંગે, ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા અંગે અને યોગ્ય પ્લાનિંગ કરવા અંગે ટકોર કરી હતી.