શેખ હસીના દેશ છોડીને નીકળી ગયાં પછી પણ બાંગ્લાદેશમાં હિંસા ઠરવાના બદલે વધુ ભડકી છે. ઈસ્લામિક દેશમાં હિન્દુઓને રહેવું મુશ્કેલ બન્યું છે. હિન્દુઓની ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી રહી છે. ઈસ્કોન મંદિર અને કાલી મંદિર તોડી પાડવામાં આવ્યા છે. હિન્દુઓના ઘરમાં આગચંપી કરવામાં આવી રહી છે. લાખોની સંખ્યામાં હિન્દુઓ હાથમાં જે આવ્યું તે લઈને ભારત તરફ આવી રહ્યા છે. બંગાળના ભાજપના નેતા સુવેન્દુએ કહ્યું છે કે, બાંગ્લાદેશમાંથી એક કરોડ હિન્દુઓ ભાગીને ભારતમાં આવી રહ્યા છે, તૈયાર રહેજો.

ભારતના પાંચ રાજ્યોની સરહદ બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા, મેઘાલય અને મિઝોરમ. જે પૈકી સૌથી મોટી સરહદ પશ્ચિમ બંગાળ સાથેની છે અને ખુલ્લી પણ છે એટલે મોટાભાગના શરણાર્થીઓ પશ્ચિમ બંગાળમાં આવે તેવી સંભાવના છે. આ અગાઉ પણ બાંગ્લાદેશથી અનેક શરણાર્થીઓ પશ્ચિમ બંગાળમાં આવી ચૂક્યા છે. જો કે આ વખતે આટલી મોટી સંખ્યામાં શરણાર્થીઓ બંગાળમાં આવે તો સ્થિતિ ઘણી બગડી શકે છે. બાંગ્લાદેશની અશાંતિએ પશ્ચિમ બંગાળમાં શરણાર્થીઓના ઘૂસવાની વધુ એક આશંકા ઊભી કરી છે. પશ્ચિમ બંગાળ એ બાંગ્લાદેશ સાથે 2,217 કિમીની સરહદ ધરાવે છે.

બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તેને લઈને હિન્દુઓ હિજરત કરવા લાગ્યા છે. બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા થઈ રહી છે. રંગપુરના કાઉન્સિલરની પણ હત્યા કરવામાં આવી હતી. સિરાજગંજમાં 13 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા, જેમાંથી 9 હિંદુ હતા. બાંગ્લાદેશમાંથી હિન્દુઓએ પલાયન શરૂ કર્યું છે અને 1 કરોડ બાંગ્લાદેશી હિન્દુઓ બંગાળ તરફ આવી રહ્યા હોવાના અહેવાલ છે.

ભારતમાં જે હિન્દુઓ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી આવીને વસવાટ કરે છે તેવા હિન્દુઓને ભારતની નાગરિકતા આપવાનો કાયદો CAA (સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ) લાગૂ કરાયો છે. આ કાયદા હેઠળ બહારથી આવેલા ઘણા હિન્દુઓ ભારતના સત્તાવાર નાગરિક બની ગયા છે. પરંતુ સવાલ એ છે કે, બાંગ્લાદેશમાંથી લાખો હિંદુઓ જો પશ્ચિમ બંગાળમાં આવી જાય તો શું હાલત થાય?
જો મોટી સંખ્યામાં શરણાર્થીઓ આવી જાય તો પશ્ચિમ બંગાળની વસ્તીનું સંતુલન ખોરવાઈ જાય. લોકો માટે રહેવાની જગ્યાની અછત ઊભી થાય. કોમી ઝઘડા પણ વધી શકે છે. સાંપ્રદાયિક હિંસા પણ ફેલાઈ શકે છે. બેરોજગારી અને આર્થિક તણાવ વધી શકે છે. અને રાજ્યનો અન્ન અને પાણીના પુરવઠામાં પણ મોટી ઘટ સર્જાઈ શકે.

આગામી દિવસોમાં આ તમામ શરણાર્થીનો CAAકાયદામાં સુધારો કરીને તેની હેઠળ સમાવેશ કદાચ કરી લેવામાં આવે તો ભારતમાં એક કરોડ હિંદુઓની વસ્તી વધી જાય અને પશ્ચિમ બંગાળમાં નવી હિન્દુ વોટબેન્ક પણ ઊભી થઈ જાય.
જો કે સરહદની વાત છે એટલે ભારત સરકાર શું નિર્ણય કરે છે તેના પર સહુની નજર છે. પરંતુ બાંગ્લાદેશમાં વધતી અશાંતિને કારણે પશ્ચિમ બંગાળની શાંતિ પણ જોખમાઈ શકે છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે તેમની અત્યાર સુધીની રાજકીય કારકિર્દીમાં આ સૌથી મોટો પડકાર બની રહેશે તેવું લાગી રહ્યું છે. સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝને પણ આ મુદ્દે કેન્દ્ર સાથે વાત કરવા વિનંતી કરી હતી.