જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઘેડ પંથકના 12થી વધુ ગામોમાં પાણી ઘૂસી ગયા. ખેતરોમાં પણ પાણી ફરી વળતાં ખેડૂતોની હાલત કફોડી થઈ છે. ખેડૂતોએ વાવેલા પાક જમીન દોષ થઈ ગયા છે. જ્યારે ઘણાં ખેતરોમાં બિયારણનો ખર્ચો માથે પડ્યો છે. એટલું જ નહીં પણ ઘેડ પંથકમાં ઓજત નદી કાંઠે 1.36 કરોડના ખર્ચે બાંધવામાં આવેલા પાળો તૂટી જતાં ઘેડ પંથકમાં તારાજી સર્જાઈ હતી. દર વર્ષે ચોમાસામાં આ ઘેડ પંથકમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને દર વર્ષે તંત્ર દ્વારા અહીં પાળો બાંધવામાં આવે છે.

સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે બામણાસા ઘેડ ગામ નજીક 2021થી લઈ અત્યારસુધીમાં આશરે ચાર વખત ઓજત નદી કાંઠે પાળા બનાવવામાં આવ્યા છે, પરંતુ ચોમાસામાં ભારે વરસાદ આવે ત્યારે આ પાળા તૂટી જાય છે અને આસપાસના 10થી વધુ ગામોમાં પાણી ફરી વળે છે. ખેતરો ધોવાય જાય છે. આ વર્ષે સિંચાઈ વિભાગ દ્વારા રૂ. 1 કરોડ 36 લાખ રૂપિયાના ખર્ચે પાળો બાંધવામાં આવ્યો હતો. પરંતુ કામ પૂરું થયાના બે દિવસ બાદ જ પાળો ધોવાય ગયો. અને આસપાસનાં ખેતરોમાં રેતી પથરાઈ ગઈ અને પાણી ફરી વળ્યા.

કેટલા ખેડૂતોએ હજુ તો માત્ર વાવણી કરી હતી. ત્યાં જ પાણી ફરી વળ્યા. જ્યારે અન્ય ખેડૂતોએ વાવેલો ઘાસચારો પણ બગડી ગયો છે. સરકાર અને તંત્ર દ્વારા અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત લઈ વહેલી તકે સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોએ માગ કરી છે
ખેડૂતોનું કહેવું છે કે સરકાર વાતો તો મોટી મોટી કરે છે પરંતુ બે દિવસ પહેલાં અતિભારે વરસાદ પડતાં રસ્તા પણ બંધ થઈ ગયા હતા અને ખેતરો પણ ધોવાઈ ગયા હતા. એના કારણે ખેતરોમાં વાવેલી મગફળી અને ઢોર માટે વાવેલા નીરણ ઘાસચારાને ઘણું નુકસાન થયું છે. રસ્તા પર ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયાં હતાં. બેથી અઢી દિવસ સુધી લાઈટ પણ જતી રહી હતી. છતાં તંત્રના કોઈ અધિકારી ખબર પૂછવા નહોતા આવ્યા.
.

આ અંગે નાયબ કાર્યપાલક ઈજનેરનું કહેવું છે કે પાણી ઊતરતાં ખેડૂતોને સાથે રાખી પાળાની મુલાકાત લેવામાં આવી હતી તેમજ આગામી સમયમાં આ મામલે યોગ્ય નિરાકરણ લાવવા કામગીરી હાથ ધરવામાં આવશે. તેમણે કહ્યું કે આવનારા સમયમાં દર વર્ષે જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ માટે ડી.એલ.આર તેમજ સિંચાઈ વિભાગ દ્વારા આ વિસ્તારમાં તપાસ કામગીરી કરી ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ મોકલવામાં આવશે. પરંતુ આ કામગીરી આવનારા કેટલા વર્ષોમાં થશે તે સવાલ છે.