ગુજરાતમાં દારૂબંધીની ખાલી મોટી મોટી વાતો જ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં અવારનવાર દારૂનો જથ્થો ઝડપાવાના બનાવો બનતા રહે છે. એવામાં હવે સત્તાધારી ભાજપના જ નેતા દારૂના મોટા જથ્થા સાથે પકડાયા છે. અને તેની સાથે એક પોલીસકર્મી અને અન્ય એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના બિલડિયા ગામ પાસેથી જયેશભાઈ ભાવસાર નામના ભાજપના નેતાની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી. જયેશ ભાવસારની સાથે અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. પ્રવીણકુમાર ચૌહાણ પણ તેમની સાથે હતા. ચિઠોડા પોલીસે વિદેશી દારૂના જથ્થા તથા બિયરના જથ્થા સાથે બંને ઈસમોને ઝડપી લીધા. જયેશભાઈ ભાવસાર ભાજપના આગેવાનો સાથે ભાવસાર ઘરોબો ધરાવે છે. ભૂતકાળમાં અસારવા વોર્ડના ભાજપના પ્રમુખ હતા. ત્યાર બાદ ભાજપના પૂર્વ સાંસદ ડૉ.કિરીટ સોલંકીની ડિવિઝનલ રેલ યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીમાં ભલામણ બાદ નોમિની તરીકે તેમની નિમણૂક થઈ હતી.
રાજસ્થાનથી એક કાર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને ચિતરિયા થઈ અમદાવાદ તરફ આવી રહ્યાની અગાઉથી મળેલી બાતમીના આધારે સાબરકાંઠાના વિજયનગર તાલુકાની ચિઠોડા પોલીસની ટીમે વોચ ગોઠવી હતી.
દરમિયાન દઢવાવ બાજુથી આવતી એક કારને અટકાવીને તેમાં તપાસ કરતા ગાડીની વચ્ચેની સીટના ભાગે તથા પાછળની સીટના ભાગે વિદેશી દારૂનાં બોક્સ મળ્યાં હતાં. કારને રોકવામાં આવી ત્યારે ASI પ્રવીણકુમાર ચૌહાણ એ કાર ચલાવતા હતા. પોલીસે કારમાંથી વિદેશી દારૂ તથા બિયરની કુલ 893 બોટલ જપ્ત કરી છે, જેની કિંમત 1 લાખ 96 હજાર 490 જેટલી થઈ રહી છે. વિદેશી દારૂની સાથે ગુનામાં વપરાયેલી 5 લાખની કિંમતની ગાડી તેમજ મોબાઇલ વગેરે મળીને કુલે 7 લાખ 12 હજાર 490નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. ત્રણેય ઈસમો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.