ગુજરાતમાં ચાંદીપુરાને કારણે સરકારની ચિંતા વધી રહી છે. ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે. સરકારે જાહેર કરેલા આકડાં મુજબ ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા 58 થઈ છે. અને મૃત્યુઆંક વધીને 21 થયો છે. આ વાઇરસની અસર ગ્રામ્ય વિસ્તારોમાં વધુ જોવા મળી રહી છે. માટીનાં ઘરો કે ગંદકીવાળા વિસ્તારોમાં રહેતાં નવજાત શિશુથી લઇ 14 વર્ષ સુધીનાં બાળકોમાં અન્યોની સરખામણીએ રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે તેઓ આ બીમારીનો શિકાર જલ્દી બની રહ્યા છે.
બીજી તરફ ગામડાંઓમાં તબીબી સારવારના પ્રશ્નો પણ ઘણા છે. માટે જ સરકાર તરફથી મેડિકલ વિદ્યાર્થીઓ પાસેથી બોન્ડ લખાવવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવવા ડોક્ટરો તૈયાર નથી થત. ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રો તો છે પરંતુ આ કેન્દ્રોમાં ડોક્ટરોની સંખ્યા ઓછી છે.
જરૂર કરતાં બાળકોના ડોક્ટરો ઘણા ઓછા
ચાંદીપુરા વાઇરસના કેસ ગુજરાતનાં ગામડાંઓ વધુ જોવા મળી રહ્યા છે.ત્યારે ગુજરાતમાં બાળકોના ડોક્ટર( પીડિયાટ્રિશિયન)ની સંખ્યાને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ગ્રામ્ય વિસ્તારોના સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં 31 માર્ચ-2022ની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 344 પીડિયાટ્રિશિયનની જરૂરિયાત હતી. જેની સામે 76 જગ્યા મંજૂર કરવામાં આવી હતી અને તેમાંથી માત્ર 30 જગ્યા જ ભરાયેલી છે અને હજુ 46 જગ્યા ખાલી છે. જરૂરિયાત પ્રમાણે 344 પીડિયાટ્રિશિયન હોવા જોઇએ. પરંતુ તેની સામે 314 ડોક્ટરો ઓછા છે.
ભારત સરકારે જાહેર કરેલા અહેવાલમાં સામે આવી વિગતો
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા સમગ્ર દેશના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વર્ષ 2022ના આંકડામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષ 2022માં 1376 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની જરૂરિયાત હતી. જેની સામે 411 જગ્યા મંજૂર કરવામાં આવી હતી. અને તેમાંથી પણ 127 જગ્યા જ ભરાયેલી હતી જ્યારે 286 જગ્યાઓ ખાલી હતી. રેડિયોલોજિસ્ટની 344ની જરૂરિયાત સામે 113 જગ્યા મંજૂર કરવામાં આવી હતી. જેમાંથી 72 જગ્યા ભરાઈ હતી અને 41 જગ્યા ખાલી હતી.

ડોક્ટરોની ખાલી જગ્યા બાબતે રાજ્ય સરકાર પર કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીના પ્રહાર
ડોક્ટરોની ખાલી જગ્યા બાબતે પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું કે ચાંદીપુરા વાયરસ પહેલી વખતનો નથી. આ પહેલાં પણ આ કેસ સેમ આવી ચૂક્યા છે. પણ સરકાર એસી ઓફિસમાં બેસીને ચિંતા નહીં કરવાની વાતો કરે છે. સામાન્ય માણસનો બાળક જ્યારે બીમાર પડે તેને મગજનો તાવ આવે અને મોતને ભેટે તે પરિવારનું જે દુઃખ હોય છે, જે વેદના હોય છે તે સમજવી પડે તેવી હોય છે.
તેમણે કહ્યું કે આપણે જ્યારે ગતિશીલ ગુજરાતની વાત કરીએ એવા સમયે આરોગ્ય સુવિધા વધુ સુદ્રઢ થાય અને વધુ સારી રીતે માનવ જિંદગી બચાવી શકીએ તે દિશામાં જોવું જોઈએ. કોવિડ આવ્યો હતો પણ આપણે તેમાંથી કંઈ જ શીખ લીધી નથી. આપણા આરોગ્ય માળખામાં કોઈ સુધારો થયો નથી.
તેમણે કહ્યું કે માત્ર હોસ્પિટલો ઊભી કરવાથી આરોગ્ય સેવા નથી સુધરતી તેના માટે સારો ટ્રેઈની અનુભવી સ્ટાફ પણ હોવો જોઈએ. જે નવા નવા સાધનો વસાવવામાં આવે છે તેના નિષ્ણાતો પણ હોવા જોઈએ. તો જ વ્યક્તિની બીમારીની સારી રીતે ઓળખ થઈ શકશે અને તેની સારવાર થઈ શકશે.
વધુમાં તેમણે કહ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં એસ.ટી.ના રૂટો બંધ થઇ ગયા છે. તાલુકાએ પહોંચવા માટેનું ટ્રાન્સપોર્ટેશન નબળું થતું જાય છે. રસ્તાઓની સ્થિતિ પણ ખરાબ છે. આવા સંજોગોમાં આપણા સૌની જવાબદારી બને છે અને ખાસ કરીને સરકારની. જેમની આર્થિક સ્થિતિ સારી નથી તેવા લોકો માટે સરકારે આરોગ્ય સેવાને સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ કરાવવી જોઇએ. સરકાર કરોડો રૂપિયા બજેટમાં ફાળવણી કરે છે. પણ સરકારની વાતો અલગ છે અને જમીની હકીકત અલગ છે.
રાજ્ય સરકાર પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે તેઓ ગુજરાતના ગ્રામીણ વિસ્તાર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય. ગુજરાતમાં 92થી 95 ટકા સુપર સ્પેશિયાલિસ્ટની જગ્યા ઘણા લાંબા સમયથી ખાલી હોય તો તેના માટે સરકારની નીતિ અને નિયતમાં ખોટ છે. જેથી તે સીધી જવાબદાર છે.
કોવિડ સમયનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે કોવિડ વખતે થાળીઓ વગાડી, લોકોએ ફૂલોથી કોરોના વોરિયર્સને વધાવ્યાં, તાળીઓ વગાડી પણ ડોક્ટરોની સ્થિતિ સુધારવા માટે શું પગલાં લીધાં? સરકારી વ્યવસ્થામાં તે પણ જોવું પડે. તેના માટે સરકારે માનવીય અભિગમ અપનાવવો જોઇએ.