Homeગુજરાતચોટીલાના સાંગાણી ગામ પાસે ભયંકર અકસ્માત; ડામર ભરેલા ટેન્કર પાછળ ખાનગી બસ...

ચોટીલાના સાંગાણી ગામ પાસે ભયંકર અકસ્માત; ડામર ભરેલા ટેન્કર પાછળ ખાનગી બસ અથડાતા લાગી ભીષણ આગ, 4 મુસાફરો જીવતા ભૂંજાયા


ચોટીલાઃ સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પર ફરી એક ભયાનક અકસ્માત સર્જાયો. સાંગાણી ગામ પાસે ડામર ભરેલા એક ટેન્કર પાછળ ખાનગી બસ ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોમાં આગ લાગી ગઈ. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બસમાં સવાર મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી.

4 મુસાફરો જીવતા ભૂંજાયા
આ દુર્ઘટનામાં બસમાં સવાર ચાર મુસાફરો આગની જ્વાળાઓમાં લપેટાઈ જવાથી જીવતા ભૂંજાઈ ગયા છે. જ્યારે 10 જેટલા લોકોને ઈજા પહોંચી છે જમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય કેટલાક મુસાફરોને બચાવી લેવાયા છે.


મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ
અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસ અને ચોટીલા તથા થાન ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. ભીષણ આગને કારણે બસમાં સવાર ચાર લોકો એટલે હદે સળગી ગયા છે કે તેમના મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની છે. મૃતક પુરુષ છે કે મહિલા તે ઓળખવું પણ મુશ્કેલ બન્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચારેય મૃતદેહોની ઓળખ કરવા માટે હવે DNA ટેસ્ટ કરાવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.


પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી શરૂ કરી તપાસ
ચોટીલાના નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાના જણાવ્યા પ્રમાણે હાઈ વે પર ડામર ભરેલું ટેન્કર જઈ રહ્યું હતું જેનું ટાયર ફાટતા તેમાં આગ લાગી ગઈ હતી .આ દરમિયાન પાછળથી આવી રહેલી ખાનગી બસ ડામર ભરેલા ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હોવાનો પ્રાથમિક અંદાજ છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

RELATED ARTICLES

Most Popular