દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. વલસાડ અને ગણદેવીમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો. વલસાડમાં ધોધમાર ચાર ઈંચ વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ફરી વળ્યા. વલસાડ જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. જેને લઈને મધુબન ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યાં છે અને દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.

વલસાડ જિલ્લાના પારડીના પલસાણામાં પુલ પર એક કાર ફસાઈ ગઈ હતી. જેને લઈને કારચાલક ફસાઈ ગયો હતો. JCBની મદદથી ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી. આ તરફ ગણદેવીમાં ચાર કલાકમાં પોણા છ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જલાલપોરના ખરસાડ ગામના મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતાં ગામ ટાપુમાં ફેરવાઈ ગયું.
ભારે વરસાદને લઈને વલસાડ જિલ્લાના 11 રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં. વલસાડ શહેરના મુખ્ય બે અંડરપાસમાં પણ પાણી ભરાઈ જતાં તેને પણ બહધ કરવામાં આવ્યાં. વહીવટી તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવા અપીલ કરવામાં આવી હતી. વલસાડના ઉમરગામમાં ધોધમાર વરસાદ વરસતાં દેહરી કોસ્ટલ હાઇવે ઉપર પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તેમજ આસપાસના ખેતરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા.
નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે. અને નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી કાવેરી નદીમાં એક ફૂટથી વધારે પાણીની આવક થઈ છે.
આ તરફ તાપીના વ્યારા શહેરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે.