Homeગુજરાતઅષાઢી બીજ અને રથયાત્રાનું શું છે મહત્વ? કેમ ભગવાનનની મૂર્તિ છે અધૂરી?...

અષાઢી બીજ અને રથયાત્રાનું શું છે મહત્વ? કેમ ભગવાનનની મૂર્તિ છે અધૂરી? જાણો રસપ્રદ ઇતિહાસ

ભગવાનના મંદિરમાં દર્શન કરવા ભક્તો તો દરરોજ જતા હોય છે,પરંતુ અષાઢી બીજ એક એવો અવસર છે જ્યારે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા તેમની પાસે જાય છે. જગન્નાથ પુરી અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં અષાઢી બીજે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. જેમાં લાખો ભક્તો દર્શનનો લાભ લે છે.

જગન્નાથજીની રથયાત્રા પાછળની કથા ખૂબ જ રસપ્રદ છે. એવું માનવામાં આવે છે કે એક વાર દેવી સુભદ્રા પોતાના સાસરેથી દ્વારકા આવ્યાં હતાં. તેમણે પોતાના બંને ભાઈઓને નગરદર્શનની ઇચ્છા જણાવી. શ્રીકૃષ્ણ અને બલરામે તેમને એક રથ પર બેસાડયાં અને તેઓ અલગ-અલગ રથ પર સવાર થઈ ગયા. સુભદ્રાના રથને વચ્ચે રાખવામાં આવ્યો અને ત્રણેય ભાઈ-બહેનો નગરયાત્રા પર નીકળી પડયાં. એ દિવસ અષાઢી બીજનો દિવસ હોવાનું કહેવાય છે અને  એ દિવસની યાદમાં જગન્નાથપુરી અને અમદાવાદ સહિત દર વર્ષે અષાઢી બીજે રથયાત્રા નીકળે છે.

જો કે રથયાત્રાની વિશેષતા એ છે કે આ ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓથી એકદમ અલગ છે. રથયાત્રાની ત્રણેય મૂર્તિઓ અધૂરી  જોવા મળે છે. તેની પાછળ પણ એક રસપ્રદ કથા જોડાયેલી છે. જે મુજબ ઓરિસ્સામાં વર્ષો પહેલાં રાજા ઇન્દ્રદ્યુમ્ન રાજ કરતા હતા. એક વાર  ભગવાન જગન્નાથ,બલરામ અને સુભદ્રાજીની મૂર્તિ બનાવવાની રાજા ઇન્દ્રદ્યુમ્નને ઇચ્છા થઈ અને આ વિચાર સતત તેમના મનમાં ચાલ્યા કરતો હતો. એક દિવસ તેઓ આ જ વિચારમાં ડૂબેલા હતા. એવામાં સમુદ્રમાં એક મોટું કાષ્ઠ તેમણે તરતું જોયું. જે જોઈને તેમને કાષ્ઠમાંથી જ મૂર્તિઓનું નિર્માણ કરવાની આંતરિક પ્રેરણા મળી! પરંતુ એક સમસ્યા ઊભી થઈ, તે હતી યોગ્ય શિલ્પીની શોધ.

એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણએ દેવતાઓના શિલ્પી વિશ્વકર્માને રૂપ બદલીને ઈન્દ્રદ્યુમ્ન પાસે મોકલ્યા. વૃદ્ધ વ્યક્તિનો સ્વાંગ રચીને વિશ્વકર્મા રાજા પાસે આવ્યા. અને તેઓ મૂર્તિ બનાવી આપશે તેવી વાત કરી.આ વૃદ્ધ શિલ્પીએ રાજા સમક્ષ એક શરત મૂકી કે, તેઓ મૂર્તિ તો બનાવી આપશે, પરંતુ 21 દિવસ સુધી તેમના કામમાં કોઈ બાધા ન આવવી જોઈએ. તેમના ઓરડામાં કોઈ 21 દિવસ સુધી ન આવે. રાજાએ તેમની શરતનો સ્વીકાર કર્યો, પછી વિશ્વકર્મા ઓરિસ્સામાં હાલમાં જ્યાં જગન્નાથજીનું મંદિર છે, તેની પાસે જ એક ઘરમાં મૂર્તિનિર્માણનું કામ કરવા લાગ્યા.

 રાજા અને તેના પરિવારજનો નહોતા જાણતા કે આ વૃદ્ધ શિલ્પી કોણ છે? થોડા દિવસો સુધી તે ઓરડાના દ્વાર બંધ રહ્યાં. મહારાણીએ વિચાર્યું કે આ વૃદ્ધ શિલ્પી ખાધાપીધા વગર કેવી રીતે કામ કરી શકશે? પંદર દિવસ વીત્યા પછી તેમને લાગ્યું કે વૃદ્ધ શિલ્પીને ભૂખને કારણે કોઈ તકલીફ તો નહીં થઈ હોય ને. એ વિચારે મહારાણીએ રાજાને પોતાની શંકા જણાવી, તેથી મહારાજાએ દ્વાર ખોલાવ્યા અને દ્વાર ખોલાવતા જ ત્યાંથી વૃદ્ધ શિલ્પી ગાયબ થઈ ગયા. અને ઓરડામાં તેમણે બનાવેલી અધૂરી ત્રણ મૂર્તિઓ હતી. મૂર્તિઓ અધૂરી જોઈને રાજા અને રાણી દુઃખી થઈ ગયાં. તે ક્ષણે જ ભવિષ્યવાણી થઈ કે, “હે નરેશ! દુઃખી ન થશો, અમે આ જ રૂપમાં રહેવા માગીએ છીએ. મૂર્તિઓને દ્રવ્ય વગેરેથી પવિત્ર કરીને તેની સ્થાપના કરાવો.

જો કે મિત્રો અહીં સવાલ થાય છે કે અધૂરી મૂર્તિના રૂપમાં રહેવાનું ભગવાને શા માટે પસંદ કર્યું. આની પાછળની પૌરાણિક કથા એવી છે કે દ્વારિકામાં ભગવાન શ્રીકૃષ્ણ રુક્મિણી વગેરેની સાથે શયન કરી રહ્યા હતા એ દરમિયાન તેઓ ઊંઘમાં જ રાધે-રાધે બોલવા લાગ્યા. જેથી મહારાણીઓને આશ્ચર્ય થયું. સવારે ઊઠ્યા પછી રુક્મિણીજીએ બધી રાણીઓને આ વાત કરી કે આપણે આટલી સેવા, નિષ્ઠા અને ભક્તિ કરીએ છીએ તેમ છતાં વૃંદાવનની રાધા ને પ્રભુ નથી ભૂલી શક્યા. આ રાધાજી અને શ્રીકૃષ્ણની રાસલીલા વિશે બલભદ્રજીના માતા રોહિણીજી અવશ્ય જાણતાં હશે, તેથી બધી રાણીઓએ માતા રોહિણીને વિનંતી કરી કે રાધાજી અને શ્રીકૃષ્ણની રાસલીલા અંગે તેમને જણાવે.

પહેલાં તો માતા રોહિણીજીએ ના કહી, પરંતુ બધી રાણીઓના આગ્રહ બાદ તેમણે કહ્યું કે, “ઠીક છે, પરંતુ પહેલાં સુભદ્રાને પહેરો ભરવા માટે દરવાજે ઊભાં રાખો, અને કોઈ પણ અંદર ન આવવું જોઈએ, પછી તે કૃષ્ણ કે બલભદ્ર જ કેમ ન હોય!”

માતા રોહિણીજીએ કથા સંભળાવવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં શ્રીકૃષ્ણ અને બલભદ્ર ત્યાં આવી પહોંચ્યા. પરંતુ સુભદ્રાજીએ તેમને દ્વાર પર જ રોકી લીધા, જેથી દ્વાર પર ઊભા ઊભા જ શ્રીકૃષ્ણ, બલભદ્રજી અને સુભદ્રાજી રાધાજીની રાસલીલાની કથા સાંભળવા લાગ્યા. અને આ સાંભળીને અદ્વૈત પ્રેમરસમાં એટલા ભાવવિહ્વળ થઈ ગયાં કે તેમનું શરીર પણ પીગળવા લાગ્યું. એવામાં અચાનક નારદજી ત્યાં આવ્યા અને તેમણે પ્રેમરસમાં તરબોળ પ્રભુના દર્શન કર્યા. નારદજીએ ભગવાનને પ્રાર્થના કરી કે, હે પ્રભુ, પ્રેમભાવમાં લીન તમારા આ સ્વરૂપના દર્શન મે તો કર્યા, પણ સામાન્ય મનુષ્યો પણ તમારા આ સ્વરૂપના દર્શન કરે એવું હું ઈચ્છું છું. નારદજીની વાત સાંભળીને પ્રભુએ તથાસ્તુ કહ્યું. ત્યારથી ભગવાન શ્રીકૃષ્ણ, બલભદ્રજી અને સુભદ્રાજી અધૂરી મૂર્તિમાં જ રથયાત્રામાં નીકળે છે.

RELATED ARTICLES

Most Popular