નાગપંચમીનો દિવસ એ જ દિવસ છે જ્યારે ઉજ્જૈનના નાગચંદ્રેશ્વર મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહીંયા દર્શન કરવાથી વ્યક્તિને સર્પદોષમાંથી મુક્તિ મળે છે.
શ્રાવણન મહિનામાં નાગ પંચમીનો તહેવાર સંપૂર્ણ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. આપણે ત્યાં લોકો જુદી જુદી નાગપાંચમ ઉજવે છે. જૈ પૈકી એક નાગપાંચમ શ્રાવણ સુદ પાંચમની હોય છે. દર વર્ષે આ નાગપંચમીના દિવસે ઉજ્જૈનમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના શિખર પર સ્થિત નાગચંદ્રેશ્વર મંદિરના દરવાજા ખોલવામાં આવે છે. 11મી સદીમાં નિર્માણ કરવામાં આવેલા આ મંદિરના દરવાજા વર્ષમાં માત્ર એક જ વાર એટલે કે નાગ પંચમીના દિવસે જ ખોલવામાં આવે છે. દરવાજા ખોલવામાં આવ્યા બાદ અહીં ત્રણ કલાક સુધી નાગચંદ્રેશ્વરની પૂજા કરવામાં આવે છે. આ મંદિરની વિશેષતા એ છે કે ભગવાન શિવ સાથેની નાગચંદ્રેશ્વરની મૂર્તિ વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતી નથી.

નાગચંદ્રેશ્વર મંદિરના દરવાજા ગુરુવારે રાત્રે 12 વાગ્યે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. અને શુક્રવારે રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવ્યા. ભક્તોએ નાગચંદ્રેશ્વર અને મહાકાલના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીય અને અન્ય લોકોએ નાગચંદ્રેશ્વર પર દૂધ ચડાવીને અભિષેક કર્યો હતો.
આ પણ વાંચો – પાંચાળ પ્રદેશમાં આવેલું ઐતિહાસિક વાસુકિ દાદાનું મંદિર
ઉલ્લેખનીય છે કે ઓમકારેશ્વર મંદિર મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહની ઉપર આવેલું છે તેની ટોચ પર નાગચંદ્રેશ્વરનું મંદિર છે જે વર્ષમાં એક જ વાર નાગપંચમીના દિવસે ખુલે છે. અહીં નાગપંચમીના દિવસે ભગવાન નાગચંદ્રેશ્વરના દર્શન કરવા લાખો ભક્તો ઉમટી પડે છે.

એવું કહેવાય છે કે નાગચંદ્રેશ્વર મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલી પ્રતિમા 11મી સદીમાં સ્થાપિત કરવામાં આવી હતી. આ મંદિરનું નિર્માણ અને પ્રતિમાની સ્થાપના પરમાર રાજા ભોજે કરી હતી. આ સાત ફણાવાળી નાગચંદ્રેશ્વરની પ્રતિમા છે. આમાં સર્પ દેવ પોતાની સાત ફણાઓ ફેલાવીને જોવા મળે છે. આ પ્રતિમાની બરાબર ઉપર ભગવાન શિવ અને માતા પાર્વતીની પ્રતિમા છે. નાગચંદ્રેશ્વરની પ્રતિમાની એક તરફ નંદીની પ્રતિમા છે અને બીજી તરફ સિંહની પ્રતિમા સ્થાપિત છે. આ બંને શિવ અને પાર્વતીના વાહન હોવાનું કહેવાય છે. નંદીને ભગવાન શિવનું વાહન અને સિંહને માતા પાર્વતીનું વાહન કહેવામાં આવે છે.

નાગચંદ્રેશ્વરની પ્રતિમા નેપાળથી લાવવામાં આવી છે અને કહેવાય છે કે નાગચંદ્રેશ્વરની આવી પ્રતિમા વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતી નથી. આ મંદિરમાં દર્શન કરવાથી વ્યક્તિ સર્પદોષમાંથી મુક્ત થઈ જતી હોવાની માન્યતા છે.