હિંદુ ધર્મમાં નાગનું મહત્વ પહેલાથી જ છે.વિષ્ણુ ભગવાન શેષ નાગની શૈયા પર બિરાજમાન હોવાની અને શિવજી પોતાના કંઠમાં નાગ ધારણ કરતા હોવાની માન્યતા છે. નાગ પાંચમના દિવસે શ્રદ્ધાળુ મહિલાઓ નાગદેવતાની વિશેષ પૂજા પણ કરે છે. ત્યારે પાંચાળ પ્રદેશમાં આવેલા વાસુકિ દાદાના મંદિરે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

ખડ, પાણી ને ખાખરો, પાણાનો નહી પાર. વગર દીવે વાળુ કરે, એ પડ જુઓ પંચાળ.
ઝાલાવાડના સવાસો ચોરસ માઈલના કંદોરાને ’પંચાળ’ કહેવામાં આવે છે અને પંચાળના કેન્દ્ર તરીકે ‘થાન‘ રહ્યું છે. થાનનું પ્રાચીન સ્થળ હોવા છતાં એના મૂળ નામ અને પ્રાચીન ઉલ્લેખો “સ્કંદ પુરાણ“ માં જોવા મળે છે. જેમાં થાન ને “સ્થાન” તરીકે વર્ણવવામાં આવે છે. જો કે ધીમે ધીમે અપભ્રંશ થતાં આ સ્થળ “સ્થાન” ને બદલે “થાન” તરીકે જાણીતું બન્યું. અને વાસુકિ દાદા થાનગઢના દેવ હોવાનું માનવામાં આવે છે.

ઝાલાવાડમાં નાગ દેવતાના મંદિરોમાં વાસુકિદાદા, બાંડિયા બેલી, તલસાણીયા અને ચરમાળીયા દાદાના સ્થાનકો સુપ્રસિદ્ધ છે. જ્યાં સરોવર, સરિતા, અને ડુંગરો જોવા મળે છે. જોગી, જતિઓ, અને સાધુ-સંતોના બેસણા રહે છે. એવી રોચક ઈતિહાસ ધરાવતી ધરતી એટલે પાંચાળ પ્રદેશ.
નવકુળમાયલો નાગ, ફેણમાંડી પાછો ફરે; જાય ભાગ્યો જળસાપ, નોળીવાટે નાગડા”
શેષ અને સુરજ બેઉ સમોવડ વાદીએ, એકે ધરતી શિરધરી, બીજા ઉગ્યે વણાવાય”
શ્રી સ્થાન પુરાણ (થાનપુરાણ)માં પાંચાળની પવિત્ર ધરતીને સર્પભૂમિ તેમજ સૂર્યભૂમિ તરીકે વર્ણવામાં આવી છે. “સુરજ વાસંગી સહાય કરે પડ જુવો પાંચાળ” એવી ઉક્તિ પણ દુહામાં મળી આવે છે.

પાંચળ પ્રદેશમાં આવેલ પૂર્વાભિમુખ કમલતળાવ(જેને સ્કંદપુરાણમાં પદ્મ સરોવર કહેવાતું હોવાનું માનવામાં આવે છે.)ના સુંદર તટે શ્રી વાસુકિ દાદાનું વિખ્યાત મંદિર આવેલું છે. દેવો અને દાનવોએ સમુદ્ર મંથન વખતે મેરુ પર્વતનો રવૈયો અને શ્રી વાસુકિ નાગદેવનું નેતરું કર્યું હોવાની કથા જાણીતી છે.

સમગ્ર ભારતમાં નાગપૂજા અત્યંત પ્રાચીન સમયથી ચાલી આવે છે. ઈતિહાસવિદ શ્રી હરિલાલ ઉપધ્યાયના મતે થાનગઢમાં આવેલું શ્રી વાસુકિ દાદાનું મંદિર ગુજરાતનું અતિ પ્રાચીન મંદિર હોવાનું જણાય છે. જેવી રીતે આદ્યશક્તિની 51 શક્તિપીઠ ગણાય છે તેવી રીતે થાનગઢનું વાસુકિદાદાનું સ્થાનક નાગપીઠ તરીકે ઉલ્લેખાયેલું છે.
વાસુકિ નાગ અને તેમના નાગ ભાઈઓના સ્થાનક પાંચાળ પ્રદેશમાં ફેલાયેલા છે. અને ત્યાં નિયમિત પૂજા આરતી કરવામાં આવે છે. વેલાળા સીમ વિસ્તારમાં ટેકરી ઉપર ચરમાળીયા દાદાનુ મંદિર પવિત્ર ધામ ગણાય છે.

શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે અને પ્રથમ સોમવારે પરંપરા મુજબ દાદાનો હવન કરવામાં આવે છે. અને મેળો ભરાય છે. પાંચાળમાં શ્રાવણ મહિનામાં સૌ પ્રથમ અહીં હવન અને મેળાના આયોજન બાદ અન્ય જગ્યાએ ઉત્સવની શરૂઆત થાય છે અને તરણેતરના મેળાથી સમાપ્તિ થાય છે.