Homeધર્મપરિવર્તિની એકાદશી ની વ્રત કથા; જલઝીલણી એકાદશી ; વામન એકાદશી

પરિવર્તિની એકાદશી ની વ્રત કથા; જલઝીલણી એકાદશી ; વામન એકાદશી

પરિવર્તિની એકાદશી વ્રત-પૂજા વિધિ :
આ દિવસે સવારે સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુના વામન અવતારનું ધ્યાન કરતાં તેમને પંચામૃતથી સ્નાન કરાવવું. ત્યારબાદ ગંગાજળથી સ્નાન કરાવીને કુમકુમ-અક્ષત ચડાવવા. દીવાથી આરતી ઉતારી ભોગ લગાવવો. “ૐ નમો ભગવતે વાસુદેવાય” નો મંત્રજાપ કરવો. શક્ય હોય તો તુલસીની માળાથી જાપ કરો. ત્યારબાદ સાંજના સમયે ભગવાન વિષ્ણુને મંદિર અથવા તેમની મૂર્તિ સમક્ષ ભજન-કીર્તન કરવા અને આખો દિવસ ફળાહાર કરી ઉપવાસ કરવો. આ ઉપરાંત આ એકાદશીને જળ ઝીલણી એકાદશી, પદ્મા એકાદશી, ડોલ અગિયારસ કે દાણ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સહિત દેવી લક્ષ્મીની પૂજા કરવાથી આ જીવનમાં ધન અને સુખની પ્રાપ્તિ તો થાય જ છે. પરલોકમાં પણ આ એકાદશીના પુણ્યથી ઉત્તમ સ્થાન પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે આ દિવસે ચોખા, દહીં અને ચાંદીની વસ્તુનું દાન કરવું ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે. જે લોકો કોઈ કારણોથી આ એકાદશીનું વ્રત નથી કરી શકતા તેમણે આ દિવસે ભગવાન વિષ્ણુના જુદા-જુદા અવતારોની કથા સાંભળવી,વિષ્ણુ સહસ્રનામ તેમજ રામાયણનો પાઠ કરવો.

માનવામાં આવે છે કે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ ચાર મહિના ભગવાન વિષ્ણુ સૂતાં રહે છે. આ ચાર મહિનાને ચતુર્માસ કહેવામા આવે છે. આ દિવસો દરમિયાન કોઈ માંગલિક કાર્યો કરવામાં નથી આવતા. ચાર મહિના પછી દેવઊઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ નિદ્રામાંથી જાગે છે.

આ ઉપરાંત આ એકાદશીને વામન એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે. આ અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની કથા સાંભળવામાં આવે છે.
પદ્મ પુરાણમાં આ દિવસે વામન અવતારની પૂજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે પરિવર્તિની એકાદશીનું વ્રત કરવાથી વાજપેય યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે.

પરિવર્તિની એકાદશી ની વ્રત કથાઃ
પુરાણો અનુસાર રાજા બલિએ પોતાની શક્તિથી ત્રણેય લોક પર વિજય મેળવી લીધો હતો. કોઈ દેવો બલિનો સામનો કરી શકે તેમ નહોતા. તેથી બધા દેવો બલિ સામે લડ્યા વગર ભાગી ગયા. અને બલિએ ત્રણેય લોક પર કબ્જો મેળવ્યો.
પોતાના પુત્રોની આવી સ્થિતિ જોઈને દેવતાઓની માતા અદિતિ પણ દુઃખી થઈ ગયા. તેમણે કશ્યપ ઋષિને આનો ઉપાય પૂછ્યો.
કશ્યપ મુનિએ ભગવાનનું શરણું સર્વદુઃખ હરણ છે એમ નિર્લેપભાવે કહ્યું. અને તેમના સૂચનથી અદિતિએ ૧ર દિવસનું વ્રત કર્યું. જેના પ્રભાવે ભગવાને પ્રસન્ન થઈને તેમને ત્યાં પ્રગટ થવાનું વરદાન આપ્યું.
ભાદરવા સુદ ૧ર ના રોજ અદિતિ અને કશ્યપના ઘરે ભગવાન વિષ્ણુ ‘વામન’ સ્વરૂપે પ્રગટ થયા. તેમના યજ્ઞોપવીત સંસ્કાર પછી પિતાની આજ્ઞા લઈ વામન નર્મદા કાંઠે બલિના યજ્ઞની છાવણીમાં પહોંચ્યા. જેમનું સહુએ સ્વાગત કર્યું. બલિ રાજા બ્રાહ્મણોનું ક્યારેય અપમાન નહોતો કરતો એવી ભગવાનને ખબર હતી. બલિ રાજાએ તેમને કંઈક માંગવાનું કહ્યું ત્યારે વામને માત્ર ત્રણ પગલા જમીન માંગી. ત્રણ પગલાં જમીનની વાત સાંભળી શુક્રાચાર્ય ચોંકી ગયા. તેમને ખ્યાલ આવી ગયો કે આ વામન કોઈ બાળ બ્રાહ્મણ નહીં પણ ચોક્કસ વિષ્ણુ છે. તેમણે બલિને ત્રણ ડગલાં જમીન ન આપવા જણાવ્યું. પરંતુ બલિએ તેમની વાત ન માની.


તેથી શુક્રાચાર્યએ બલિને રાજ્યલક્ષ્મીથી ભ્રષ્ટ થવાનો શાપ આપ્યો. શાપથી ડર્યા વિના બલિએ ત્રણ ડગલાં જમીન આપવાનો સંકલ્પ લીધો. સંકલ્પ કરતાની સાથે જ ભગવાને વામન માંથી વિરાટ રૂપ ધારણ કર્યું અને પહેલાં ડગલે માનવલોક એટલે કે પૃથ્વી માપી લીધી. બીજા ડગલે બીજા લોક અને સમસ્ત બ્રહ્માંડ માપી લીધું. અને ત્રીજું ડગલું ક્યાં મૂકું આવું પૂછતાં બલિએ નમ્ર ભાવે મસ્તક ઝૂકાવી પોતાના માથા પર પગ મૂકવા કહ્યું. ભગવાને બલિના મસ્તક પર પગ મૂકતાં જ બલિ પાતાળ લોકમાં જતો રહ્યો. બલિ પર પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુએ બલિને પાતાળ લોકનું સામ્રાજ્ય સોંપ્યું અને બલિને વરદાન માગવાનું કહેતા બલિએ તેમને પોતાના પહેરેદાર બનાવી દીધા. આમ ભગવાન વિષ્ણુ બલિના વચને બંધાઈ ગયા.

RELATED ARTICLES

Most Popular