Homeધર્મશ્રાવણ સુદ એકાદશીનું શું છે મહત્વ? 16 ઓગસ્ટે આવતી એકાદશીને કેમ કહેવાય...

શ્રાવણ સુદ એકાદશીનું શું છે મહત્વ? 16 ઓગસ્ટે આવતી એકાદશીને કેમ કહેવાય છે પવિત્રા એકાદશી?

શ્રાવણ મહિનામાં આવતી એકાદશીનું મહત્ત્વ ઘણું વધારે છે. શ્રાવણ એ ભગવાન શિવનો પ્રિય મહિનો છે અને એકાદશી તિથિના સ્વામી ભગવાન વિષ્ણુ છે. પવિત્રા એકાદશી વ્રત શ્રાવણ​​​​​ના સુદ પક્ષમાં કરવામાં આવે છે. સુખી જીવન, સારા નસીબ અને બાળકોના સારા સ્વાસ્થ્યની કામના સાથે આ વ્રત કરવામાં આવે છે. મહિલાઓ દિવસભર ઉપવાસ કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, મંત્રોચ્ચાર કરે છે અને કથાઓ સાંભળે છે.

એક વખત યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછ્યો કે હે વાસુદેવ શ્રાવણ સુદ એકાદશી ને કઈ એકાદશી કહેવામાં આવે છે , આ એકાદશી નો મહિમા મને વિગતે જણાવો.

શ્રી કૃષ્ણએ કહ્યું હે, રાજન! શ્રાવણ સુદ એકાદશીના રોજ પુત્રદા એકાદશીનું વ્રત કરવાનું હોય છે, પુત્રદા એટલે પુત્ર આપનારી, સંતાન સુખ આપનારી એકાદશી, આ એકાદશીની કથાનું શ્રવણ અને વાંચન કરવાથી અનેક યજ્ઞનું ફળ મળે છે.  આ એકાદાશીની કથા આ પ્રમાણે છે.

ભવિષ્યપુરાણ અનુસાર, એકવાર, એક ‘મહીજિત’ નામનો રાજા, જે ‘મહિષ્મતી’ નામના રાજ્યમાં રાજ કરતો હતો.. અઢળક સંપત્તિ અને સમૃદ્ધિ હોવા છતાં, રાજા હંમેશાં ચિંતિત અને નાખુશ રહેતો. કારણ કે તેને કોઈ સંતાન ન હતું. તેમણે વિદ્વાન માણસો, ઋષીઓ અને બ્રાહ્મણો ની સલાહ લીધી, આખરે સર્વજ્ઞ વિદ્વાન મહર્ષિ લોમેશ પાસે પહોંચ્યો.

ધ્યાનમાં, મહર્ષિએ જોયું કે રાજા મહીજિતની સંતાન પ્રાપ્ત ન થવાનું કારણ તેના પાછલા જન્મમાં કરેલા પાપો છે, તેમણે કહ્યું કે, હે રાજા,! તું ગત જન્મમાં એક વેપારી હતો.  વ્યવસાય પર મુસાફરી કરતી વખતે,  તુ ખૂબ તરસ્યો થયો હતો અને પાણીની શોધમાં એક તળાવ પર પહોંચ્યો હતો. સંયોગે એક ગાય અને તેનું તાજું જન્મેલું નાનું વાછરડું પણ ત્યાં પાણી પી રહ્યા  હતા. અને તેમને ત્યાંથી હાંકી કાઢીને તે એકલાએ ત્યાં પાણી પીધું. તે જન્મમાં તારા સત્કર્મ ઘણા હતા જેને પરિણામે તું આ જન્મમાં રાજા બન્યો. પરંતુ આ એક પાપકર્મને કારણે તને કોઈ સંતાન નથી.  

રાજાએ પગમાં  પડીને મહર્ષિ લોમેશને આનો ઉપાય પૂછ્યો. તો લોમેશ મુનિએ,  રાજા અને તેની રાણીને શ્રાવણ સુદમાં  આવતી પવિત્રા એકાદશીનું વ્રત કરવાની સલાહ આપી. જેને પુત્રદા એકાદશી પણ કહે છે. એકાદશીનું વ્રત કરવાથી આગલા જન્મના પાપમાંથી રાજા મુક્ત થઈ શકે.

લોમેશ મુનિની સલાહ મુજબ , રાજા અને રાણીએ શ્રદ્ધા પૂર્વક એકાદશીનું વ્રત કરવા લાગ્યા.એકાદશીના દિવસે બંને ઉપવાસ કરતા અને રાતભર જાગૃત રહી બંને ભગવાનાના નામનો જાપ કરતા. બ્રાહ્મણોને સોના, ઝવેરાત, કપડાં અને પૈસાની ભેટો પણ આપી. સમય જતાં પવિત્રા એકાદશી વ્રતના ફળ સ્વરૂપે રાજા પાપમુક્ત થયો અને તેમને ત્યાં એક સંસ્કારી પુત્રનો જન્મ થયો.

આમ ભગવાન શ્રીકૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને શ્રાવણ સુદ એકાદશી વિશેની કથા જણાવી હતી. આ એકાદશીમાં ભગવાનને વિશેષ રૂપે પવિત્રા અર્પણ કરવાની પરંપરા પણ આદિકાળથી ચાલી આવે છે. સત્યયુગમાં પવિત્રા મણીમય, ત્રેતામાં સુવર્ણનાં , દ્વાપરમાં રેશમના અને કળિયુગમાં સુતરના પવિત્રા ધરાવાય છે. શાસ્ત્ર પ્રમાણે પવિત્રા એકાદશીના દિવસે વિવિધ ભાવથી અર્પણ પવિત્રા સ્વીકારીને ભક્તોને ભગવાન કૃતાર્થ કરે છે.

RELATED ARTICLES

Most Popular