કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત બાદ ગુજરાત સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાતમા પગારપંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ આપવાની જાહેરાત કરી છે. જેનો અમલ પહેલી જાન્યુઆરી 2024થી કરવામાં આવશે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય મળીને કુલ 4.71 લાખ જેટલા કર્મયોગીઓ અને અંદાજે 4.73 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.

પહેલી જાન્યુઆરી 2024થી 30 જૂન 2024 સુધીના તફાવતના રૂપિયા ત્રણ હપ્તામાં વેતન સાથે ચૂકવવામાં આવશે. એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની તફાવતની રકમ જુલાઈ મહિનાના વેતનમાં, માર્ચ અને એપ્રિલ મહિનાની તફાવતની રકમ ઓગસ્ટ મહિનાના વેતનમાં અને મે તથા જૂનના મોંઘવારી ભથ્થાની રકમ સપ્ટેમ્બર મહિનાના વેતન સાથે ચૂકવવામાં આવશે.
મોંઘવારી ભથ્થું એટલે શું?
મહત્વનું છે કે મોંઘવારી ભથ્થું એટલે એવી રકમ, જે સરકારી કર્મચારીઓને વધતી મોંઘવારીમાં તેમનું જીવનધોરણ જાળવી રાખવા માટે આપવામાં આવે છે. આ નાણાં સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે. અત્યારે વર્તમાન સ્થિતિ પ્રમાણે દર 6 મહિને એની ગણતરી કરવામાં આવે છે. એ સંબંધિત પગારધોરણના આધારે કર્મચારીઓના મૂળ પગાર અનુસાર ગણવામાં આવે છે.