સુરેન્દ્ર નગર જિલ્લામાં દરોડો પાડીને સ્ટેટ મોનિટરીંગ સેલે લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડયો છે. સુરેન્દ્ર નગર જિલ્લાના પાણ શીણાના કનલારા ગામમાં આશાપુરા ઈન્ડિયન ઓઈલ પેટ્રોલિયમ અને રાધિકા હોટેલ અને પાન પાર્લર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો. જ્યાંથી 71 લાખ 66 હજારથી વધુની કિંમતની 22 હજારથી વધુ બોટલો જપ્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત બે મોબાઇલ ફોન, જીપીએસ ટ્રેકર અને બે વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. કુલ મળીને 1 કરોડ 11 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આની સાથે પ્રકાશનાથ કેશવનાથ જોગી અને ખેતારામ વણકારામ જાટ નામના 2 ઇસમોની પણ ધરપકડ કરવામાં આવી છે. જે બંને રાજસ્થાનના વતની છે. આ સિવાય દારૂ મોકલનાર મુખ્ય શખ્સ સતપાલ સિંહ યાદવ સહિત ત્રણ શખ્સો અને દારૂ મંગાવનાર રાજકોટના શખ્સને વોન્ટેડ જાહેર કરાયા છે.
ઝડપાયેલા બંને આરોપીઓ સ્થાનિક પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે અને વોન્ટેડ આરોપીઓને પકડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરીંગ સેલના પીએસઆઈ ડી.વી. ચિત્રા અને તેમની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
