ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવા દ્રશ્યો સુરેન્દ્રનગરના થાનગઢમાં જોવા મળ્યા છે. થાનગઢ રેલવે સ્ટેશન જેવા ભરચક અને જાહેર વિસ્તારમાં જાણે દારૂના વેચવાની છૂટ મળી હોય તેવું લાગી રહ્યું છે. એક મહિલા અહીં પોટલીઓનું વેચાણ કરી રહી છે. જે પોટલીઓ દેશી દારૂની હોવાનું કહેવાઈ રહ્યું છે. આ અંગેનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો – 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર શખ્સને 20 વર્ષની કેદની સજા
એક જાગૃત નાગરિકે કર્યું સ્ટિંગ
ઘરના દરવાજા પાસે બેસીને મહિલા પોટલીઓ વેચી રહી છે. એક જાગૃત નાગરિક તેની પાસેથી પોટલી લેવા જાય છે. અને વિડીયો પણ ઉતારી લે છે. મહિલા નજીક કેટલીક પોટલીઓ ભરેલી પણ પડેલી છે. ગ્રાહકો આવે છે, રોકડા પૈસા આપે છે અને મહિલા પૈસા લઈને આ પોટલી આપે છે.
પોલીસને હપ્તા અંગે મહિલા કરવા લાગી બચાવ
સંવાદમાં વ્યક્તિ પૂછી રહી છે કે પોલીસની બીક તો નથી, હપ્તો તો આપતા હશોને ત્યારે મહિલાએ પહેલાં સ્વીકાર કર્યાનો અને પછી બચાવ માટે ના કહી હોવાનું યુવકનું કહેવું છે. મહત્વનું છે કે થાનગઢ રેલવે સ્ટેશન જેવા વ્યસ્ત વિસ્તારમાં આવી રીતે જો દેશી દારૂની હાટડીઓ ચાલતી હોય તો તે પોલીસની કામગીરી અને નીતિ રીતિ સામે ચોક્કસ સવાલો ઊભા કરે છે. આ વિડીયો સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસ અને બુટલેગરો વચ્ચેની મિલીભગત હોવાની આશંકા ઉઠી રહી છે. આ મામલે હવે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. તે જોવું રહ્યું.