Homeગુજરાતકમલમમાં ગાડી ભાડેથી મૂકવાનું કહી બહાર ગિરવે મૂકી દીધી; ભાજપના નેતાના પુત્રની...

કમલમમાં ગાડી ભાડેથી મૂકવાનું કહી બહાર ગિરવે મૂકી દીધી; ભાજપના નેતાના પુત્રની ધરપકડ

ગત લોકસભાની ચૂંટણી વખતે ભાજપના કાર્યાલય કમલમ ખાતે ગાડીઓની જરૂર હોવાના બહાને અને કોન્ટ્રાક્ટ મળ્યો હોવાની વાત કરીને ગાડીઓ મેળવી, એ ગાડીઓ ગીરવે આપી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે ભારે ઊહાપોહ થતાં આ કૌભાંડના આરોપી પ્રિન્સ મિસ્ત્રીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

અમદાવાદના અસારવામાં રહેતા કાજલ જાદવે ફરિયાદ નોંધાવી હતી કે પ્રિન્સ મિસ્ત્રી નામના શખ્સે તેની સમક્ષ દાવો કર્યો હતો કે કમલમમાં ગાડી ભાડેથી ફેરવવાનો તેને કોન્ટ્રાક્ટ મળેલો છે. આવું કહી વિશ્વાસમાં લઈને તે મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર 33 હજારના ભાડે અને 50,000 રૂપિયા ડિપોઝિટ આપીને મેળવી હતી. શરૂઆતમાં થોડા મહિના તેણે ભાડું આપ્યું હતું પરંતુ બાદમાં ભાડું આપવાનું બંધ કરી દીધું હતું. 9 મહિના થવા છતાં તેણે ગાડી પરત ન આપી. માત્ર કાજલભાઈ જ નહીં, પરંતુ અન્ય લોકોની ગાડી પણ તેણે આવી રીતે ભાડા ઉપર મેળવી હતી અને ગિરવે મૂકી દીધી હતી. આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પ્રિન્સ મિસ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

દર મહિને  25થી 36 હજારના ભાડામાં પ્રિન્સે ગાડીઓ મેળવી હતી અને અમદાવાદ, ગાંધીનગર તથા મહેસાણા જિલ્લામાં એ ગાડીઓ ગીરવે મૂકી દીધી હતી.જે અંગે ગાડીના માલિકોને જાણ જ નહોતી. ગાડીના માલિકોને એમ હતું કે તેમની ગાડીઓ કમલમમાં ભાડે ફરે છે. આરોપી પ્રિન્સે 76 જેટલી ગાડીઓ ભાડે મેળવી અલગ અલગ જગ્યાએ ગીરવે મૂકી હતી. પોલીસે 35 ગાડીઓ કબજે કરી છે જ્યારે બીજી ગાડીઓની શોધખોળ શરૂ કરી છે.

 આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું કે, 26 જુલાઈના રોજ અમદાવાદ પોલીસના એક ASI અને ભાજપના વોર્ડના પ્રમુખ દારૂની હેરાફેરીમાં પકડાયા હતા. ત્યારે હવે છેતરપિંડીના કેસમાં પણ ભાજપના કાર્યકર્તાઓની સંડોવણી સામે આવી છે. પ્રિન્સ મિસ્ત્રી નામના ભાજપના કાર્યકરે અમદાવાદ પોલીસના કોન્સ્ટેબલ સાથે મળીને ગુનાહિત ષડયંત્ર રચ્યુ હતું અને 400 જેટલી ફોરવ્હીલર 33 હજાર રૂપિયાના ભાડે લીધી હતી. મહિનાઓ સુધી આ ગાડીઓ ભાડે રાખ્યા બાદ ગાડીના માલિકને એક પણ ગાડી પરત આપવામાં આવી ન હતી. આ તમામ ગાડીઓમાં પોલીસની નેમ પ્લેટ સાથે ગુનાહિત પ્રવૃત્તિઓ થઈ રહી છે. જેમાં દારૂ, ડ્રગ્સ અને અન્ય હેરાફેરી કરવામાં આવી રહી છે.

 ક્રાઇમ બ્રાન્ચે કબજે કરેલી 35 ફોર વ્હીલર અલગ અલગ ફાઇનાન્સરને ત્યાં ગીરવે મૂકેલી હતી. જેમાંથી સૌથી વધુ ફોર વ્હીલર વિસનગર પાસે આવેલા ભાલજ ગામમાંથી મળી આવી છે. પોલીસ તપાસ માટે ભાલજ પહોંચી ત્યારે ઇમરાન નામના એક ઈસમની સંડોવણી પણ સામે આવી હતી. કબજે લીધેલી તમામ ફોર વ્હીલર કોઈ ગુનામાં વપરાયેલી છે કે કેમ તેની તપાસ માટે એફ.એસ.એલની મદદ લેવામાં આવી છે. આ કેસના આરોપી આરોપી પ્રિન્સની પૂછપરછ કરતા તેના પર 7થી 8 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. જેને કારણે તે ગાડીઓ ગીરવે મૂકીને રૂપિયા મેળવતો હોવાનું સામે આવ્યું છે.

ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, પ્રિન્સ મિસ્ત્રીને ગાડીઓ ભાડે લેવાનો કોઈ કોન્ટ્રાક્ટ મળ્યો નહતો, પરંતુ લોકસભાની ચૂંટણીના બહાને વધુ ગાડીઓ ભાડે મળતી હતી.આરોપી કોઈ કોન્ટ્રાક્ટર સાથે જોડાયેલ છે કે કેમ તથા આ કૌભાંડમાં અન્ય કોઈ પોલીસ કર્મચારી કે ખાનગી વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરાઈ છે.

RELATED ARTICLES

Most Popular