અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક મહિલા PSI દ્વારા પ્રજ્ઞાચક્ષુ (અંધ) વેપારી સાથે મારપીટ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગોપાલભાઈ દરજી નામના પ્રજ્ઞાચક્ષુ પંચવટી વિસ્તારમાં PCO અને દુકાન ચલાવે છે. તેમની દુકાનમાં પેકેટ ચોરી થતી હોવાનું લાગતા તેમણે શંકાના આધારે એક સગીર વયના છોકરાનો હાથ પકડી લીધો હતો. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા સગીરના પિતાએ દુકાને આવીને ગાળાગાળી કરી હતી અને બાદમાં પોલીસને ફોન કર્યો હતો અને પોલીસ પ્રજ્ઞાચક્ષુ વેપારીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ વેપારીને લઈ આવ્યા પછી એક મહિલા પીએસઆઈએ તેમને માર માર્યો હોવાનો પ્રજ્ઞાચક્ષુ વેપારીએ આક્ષેપ કર્યો છે. આ દરમિયાન પોલીસ સ્ટેશનમાં હાજર કોઈ પોલીસકર્મીએ એ મહિલા પીએસઆઈને રોક્યા નહીં. જેને લઈને પોલીસની સંવેદનશીલતા સામે સવાલ થઈ રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે મહિલા પીએસઆઈ અને પ્રજ્ઞાચક્ષુ વેપારી વચ્ચે બનેલી આ ગંભીર ઘટના અંગે સ્થાનિક પીઆઈ (PI) પાસે કોઈ માહિતી જ નથી. અથવા તો તેઓ માહિતી આપવાનું ટાળી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.