કોલકાતામાં દુષ્કર્મ બાદ મહિલા ડોક્ટરની હત્યા બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ઠેર ઠેર ડોક્ટરો સુરક્ષાની માગ સાથે હડતાળ પર ઉતરી ગયા છે.ત્યારે અમદાવાદમાં મણીનગરમાં આવેલી એલજી હોસ્પિટલ (નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ) માં ડોક્ટર પર ગંભીર પ્રકારના હુમલાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી પ્રમાણે દર્દીની સારવાર બાબતે રેસિડન્ટ ડોક્ટર સાથે બોલાચાલી કરવામાં આવી હતી. જે બાદ દર્દીના પરિવારજને રેસિડન્ટ ડોક્ટરનું ગળું દબાવી દીધું હતું. જો કે આ દરમિયાન હાજર સિક્યોરિટી સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે ડોક્ટરને છોડાવવામાં આવ્યા હતા. આ ઘટના બાદ રેસિડન્ટ ડોક્ટરો ઈમર્જન્સી સારવાર કરવાનું પણ છોડી દીધું હતું. જોકે સુપરિન્ટેન્ડન્ટ સહિતના ડોક્ટરો દ્વારા સમજાવવામાં આવતાં તેમણે ફરીથી કામગીરી શરૂ કરી હતી.

લેડી રેસિડેન્ટ ડોક્ટર દર્દીના સગાંને દવા વિશે સમજાવી રહ્યાં હતા ત્યારે જેન્ટ્સ ડોક્ટર ત્યાં આવ્યા હતા. ત્યારે દર્દીના સગાંએ ઉશ્કેરાઈને લેડી ડોક્ટરની બાજુમાં ઉભેલા ડેન્ટ્સ ડોક્ટરનું ગળું દાબૂ દાબી દીધું હતું.
એલજી હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડન્ટ ડો. લીના ડાભીએ જણાવ્યું કે એક દર્દીને વહેલી સવારે ઈમર્જન્સી સારવાર માટે લાવવામાં આવ્યો હતો. દર્દીએ ઝેરી દવા પીધી હોવાથી પોલીસ કેસ અને સારવારની પદ્ધતિ જાણવા માટે મહિલા ડોક્ટર દ્વારા જ્યારે તેમને વિગત પૂછવામાં આવતી હતી ત્યારે દર્દીના સગા ઉશ્કેરાઈ ગયા હતા અને બોલાચાલી કરી હતી. આ દરમિયાન દર્દીના સગાએ બાજુમાં ઉભેલા જેન્ટ્સ રેસિડન્ટ ડોક્ટરનું ગળું દબાવ્યું હતું.
આ પણ વાંચો – દિલ્હીમાં ઉપરથી એસી પડતાં યુવકનું કરુણ મોત
તેમણે કહ્યું કે એક તરફ નોન-ઈમર્જન્સી સેવામાં રેસિડન્ટ ડોક્ટરો હડતાળ પર છે તો બીજી તરફ ઈમર્જન્સી સેવામાં પણ આ રીતે દર્દીના પરિવારજન દ્વારા હુમલો કરવાની ઘટના બનતાં રેસિડન્ટ ડોક્ટરો ઈમર્જન્સી સેવા બંધ કરી હતી. જોકે ત્રણથી ચાર કલાક સુધીની સમજાવટ બાદ ફરીથી તેમણે કામગીરી શરૂ કરી હતી. આ મામલે મણિનગર પોલીસ સ્ટેશનમાં દર્દીના પરિવારજન વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો રવિવારે વહેલી સવારે ઝેરી દવા પીનાર એક દર્દીને સારવાર માટે મણિનગરની એલજી હોસ્પિટલ (નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ)માં લાવવામાં આવ્યો હતો. ઈમર્જન્સી ટ્રોમા સેન્ટરમાં તેને લાવવામાં આવ્યા બાદ ત્યાં હાજર મહિલા રેસિડન્ટ ડોક્ટર હિરલબેન દ્વારા દર્દીના સગાને વિગતો પૂછવામાં આવી હતી કે તેણે કઈ દવા પીધી છે? અને ઘટના કેવી રીતે બની? આ દરમિયાન દર્દીના સગા ઉશ્કેરાઈ ગયા હતા અને તમે સારવાર કરો એમ કહી બોલાચાલી કરવા લાગ્યા હતા. એ દરમિયાન અન્ય રેસિડન્ટ ડોક્ટર રવિ ચૌધરી પણ ત્યાં આવ્યા હતા અને દર્દીના સગાને સમજાવી રહ્યા હતા કે સારવાર કરવા માટે કેટલીક માહિતી પૂછવી જરૂરી છે તો યોગ્ય સારવાર કરી શકાય છે. આ દરમિયાન અન્ય એક વ્યક્તિ મોબાઇલમાં વીડિયો ઉતારી રહી હતા, જેથી રવિ ચૌધરીએ તેને વીડિયો ઉતારવાની ના પાડી હતી. જે બાબતે ડોક્ટર અને દર્દીના પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને દર્દીના પરિવારજનો ઝપાઝપી પર ઉતરી આવ્યા. જે બાદ એક વ્યક્તિએ ડોક્ટરનું ગળું દબાવી દીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે જોઈને સિક્યોરિટીના બાઉન્સર દોડી આવ્યા હતા અને ડોક્ટરને તેમને છોડાવ્યા હતા. દર્દીના પરિવારજને ડોક્ટરને ધમકી આપી હતી કે તું મને ઓળખતો નથી. હું તને જોઈ લઈશ. આ ઘટના બાદ રેસિડેન્ટ ડોક્ટરો ઇમર્જન્સી સારવાર છોડીને નીકળી ગયા હતા.