Homeમુખ્ય સમાચાર11 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની સજાનું એલાન

11 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની સજાનું એલાન

VAV THARAD – વાવ-થરાદમાં એક નરાધમને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જિલ્લાના સુઈગામ વિસ્તારમાં એક બાળકી પર પ્રકાશ પઢિયાર નામના શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીના ભાઈને તાવ આવતો હતો, તેથી 11 વર્ષની બાળકી નજીકની દુકાને બિસ્કિટ લેવા જઈ રહી હતી. આ દરમિયાન આરોપી પ્રકાશ પઢિયાર તેના ઘરના ઓટલા પર બેઠેલો હતો. બાળકીને એકલી જોઈને તેના મનનો હેવાન જાગી ગયો. તેણે બાળકીને લલચાવવા માટે 20 રૂપિયા આપ્યા અને પોતાના માટે પણ બિસ્કિટ મગાવ્યા. બાળકી બિસ્કિટ લઈને પરત આવી ત્યારે આરોપી પોતે પોતાના ઘરમાં અંદર જતો રહ્યો. અને બિસ્કિટ લેવાના બહાને તેણે બાળકીને પોતાના ઘરમાં બોલાવી. પ્રકાશના મનસૂબાથી અજાણ બાળકી જેવી તેના ઘરમાં ગઈ કે પ્રકાશે તેને પકડી લીધી અને તેના પર દુષ્કર્મ ગુજાર્યું.

દુષ્કર્મ ગુજાર્યા બાદ આરોપીએ ધમકી આપી હતી કે આ ઘટના અંગે તે કોઈને વાત કરશે તો બાળકીને અને તેના પરિવારને તે જાનથી મારી નાખશે. જેથી બાળકી ડરી ગઈ અને તેણે કોઈને વાત ન કરી. પરંતુ થોડા સમય બાદ જ્યારે બાળકીને પેટમાં દુખાવો થયો અને પરિવારજનોને હકીકતની જાણ થઈ. મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા પરિવારે પહેલાં બદનામીના ડરથી વાત બહાર ન પાડી અને આરોપીએ તેની સાથે સમાધાન કરી લેવા કહ્યું. પરંતુ અંતે બાળકીને ન્યાય અપાવવા માટે પરિવારજનોએ હિંમત કરીને પોલીસ ફરિયાદ કરી. જે બાદ પોલીસે આરોપીને ઝડપી લઈને તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી.
બાળકીને પેટમાં દુઃખાવો થતા હકીકત આવી સામે
આ સગીરાએ પેટમાં દુખાવાની ફરિયાદ કરી ત્યારે પરિવારને સત્યની જાણ થઈ હતી. શરૂઆતમાં બદનામીના ડરે સમાધાનની વાતો થઈ હતી, પરંતુ ન્યાય માટે પરિવારે મક્કમ બની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા આ પરિવારની બે દીકરીઓ અને બે દીકરાઓમાં આ ઘટનાથી ભારે આઘાત વ્યાપી ગયો હતો.

કોર્ટે સંભળાવી 20 વર્ષની સજા
પોલીસની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે આરોપીને કડક સજા ફરમાવી. પોક્સો અને કલમ 376 હેઠળ આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ઉપરાંત રૂપિયા 1 લાખ 75 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જો આરોપી દંડ ન ભરે તો વધુ 7 મહિનાની સખત કેદની સજા ભોગવવી પડશે. તેમજ દંડની રકમમાંથી પીડિત બાળાને વળતર ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો છે. આ ચુકાદાથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

RELATED ARTICLES

Most Popular