અમદાવાદના બિલ્ડર હાર્દિક ઠક્કર અને તેમની માતા સામે કોર્ટ દ્વારા વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. ચેક રિટર્ન થવાના કેસમાં આ વોરંટ ઈશ્યૂ કરાયું છે. બિલ્ડર હાર્દિક ઠક્કરની સ્કીમમાં દુકાન ખરીદવા માટે કર્મકાંડ કરતા ગિરીશભાઈ ઉપાધ્યાયે તેમની સાથે વાત કરી હતી. અને તેના માટે તેમણે ટુકડે ટુકડે 6 લાખ 22 હજાર રૂપિયા જેવા રકમ પણ ચૂકવી હતી. પરંતુ એ સ્કીમ બંધ કરી દેવાઈ હતી. જે બાદ ગિરિશભાઈએ આપેલી રકમ માગતા હાર્દિક ઠક્કરે એ રકમના બદલામાં લાંભામાં અન્ય સ્કીમમાં દુકાન જોઈતી હોય તો રેડી હોવાનું કહ્યું હતું.
અન્ય સ્કીમમાં દુકાન માટે ફરી 4 લાખ રૂપિયા જેવી રકમ હાર્દિક ઠક્કરે ગિરીશભાઈ પાસેથી લીધી હતી. આમ કુલ મળીને ગિરીશભાઈ પાસેથી બિલ્ડર હાર્દિક ઠક્કરે 10 લાખ 22 હજાર રૂપિયા જેટલી રકમ વસૂલી હતી. પરંતુ ત્યાર બાદ પણ તેમણે લાંભામાં જણાવેલી દુકાનનો દસ્તાવેજ ન કરી આપ્યો. આ અંગે તપાસ કરતા ગિરીશભાઈને જાણવા મળ્યું કે એ દુકાન બિલ્ડર દ્વારા અન્ય કોઈને વેચી નાખવામાં આવી છે. જેથી પોતાની સાથે છેતરપિંડી થયાની તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી. આ દરમિયાન હાર્દિક ઠક્કરે પોલીસ સ્ટેશનમાં સમાધાનની વાત થતા 22 હજાર જેટલી રકમ રોકડ પરત ચૂકવી હતી અને 10 લાખ રૂપિયાના 3 ચેક આપ્યા હતા.
ગિરીશભાઈ જ્યારે ચેક વટાવવા બેન્કમાં ગયા ત્યારે એ ત્રણેય ચેક રિટર્ન થયા હતા. જેને લઈને ગિરીશભાઈએ આરોપી હાર્દિક ઠક્કર વિરુદ્ધ કોર્ટમાં વકીલ નિરલ ઝાલા અને જીતેન્દ્ર પટેલ મારફતે નેગોશિએબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ કરી. કોર્ટે સુનાવણી દરમિયાન હાજર રહેવાનો આદેશ કર્યો હોવા છતાં બિલ્ડર હાર્દિક ઠક્કર કોર્ટમાં સતત ગેરહાજર રહેતા લાલ દરવાજા ખાતે આવેલી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટે તેમના વિરુદ્ધ ધરપકડ વોરંટ અને તેમના જામીનદાર બનેલા તેમના માતા વિરુદ્ધ જામીનલાયક વોરંટ ઈશ્યૂ કર્યું છે.