પવિત્ર શ્રાવણ માસના વદ પક્ષની ત્રીજના દિવસે ચોખા કાજળીનું વ્રત કરવામાં આવે છે. કુંવારી કન્યાઓ સારો જીવનસાથી મેળવવા અને સુખી-સમૃદ્ધ દામ્પત્ય જીવનની પ્રાપ્તિ માટે આ વ્રત કરવામાં આવે છે.
આ વ્રતની વિધિ અત્યંત કઠિન છે. વ્રત કરનાર બહેનોએ સવારે વહેલા ઊઠી, સ્નાન કરી ભગવાન ભોળાનાથની ધૂપ દીપ વડે પૂજા કરવી. આ વ્રત કરનાર કન્યાએ પોતાના નખ વડે ડાંગરની છાલ ઉતારીને બિલકુલ અણીશુદ્ધ એટલે કે અખંડ 1000 ચોખાના દાણા એકત્ર કરવા. દિવસભર મહાદેવનું સ્મરણ કરવું અને આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો. ઉપવાસ દરમિયાન શરીરને ટકાવી રાખવા માત્ર સૂકા કોપરાના નાના ટુકડા અને સોપારીનું સેવન કરી શકાય છે.
સાંજના ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા કરવી. ત્યારબાદ તૈયાર કરેલા 1000 ચોખાને રાંધીને ભગવાન શિવને પ્રસાદ રૂપે અર્પણ કરવા અને પછી એને જ પ્રસાદ તરીકે ગ્રહણ કરવા. પ્રસાદ લીધા બાદ રાત્રે શિવ-પાર્વતીના ભજન-કીર્તન કરતા-કરતા આખી રાત જાગરણ કરવું.