દિલ્હી પોલીસે CJP એટલે કે કોકરોચ જનતા પાર્ટીના 3 યુવા નેતા સૌરભ દાસ, આશુતોષ રાંકા અને અજિંક્ય શિંદેની ધરપકડ કરી છે. તેમની વિરુદ્ધ મંજૂરી વગર જંતર-મંતરમાં ઘૂસવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. CJP લીગલ ટીમની હેડ રત્નાસિંહે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને આ દાવો કર્યો છે. ત્રણેય વિરુદ્ધ BNSની કલમ 329 હેઠળ કેસ દાખલ કરાયો છે.
X પર રત્નાસિંહેએ લખ્યું છે કે- દિલ્હી પોલીસે સૌરભ દાસ, આશુતોષ રાંકા અને અજિંક્ય શિંદેની ધરપકડ કરી છે અને તેમને પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન લઈ જવાયા છે. તેમના પર ગેરકાયદે પ્રવેશ, બોન્ડની શરતોના ઉલ્લંઘન અને સરકારી કામમાં અવરોધ ઊભો કરવાનો આરોપ છે.
રત્નાસિંહના જણાવ્યા અનુસાર, ત્રણેયને સવારે SCM કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે તેમને 5 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો છે. રત્નાસિંહનો આક્ષેપ છે કે 18 કલાકની અટકાયત દરમિયાન વકીલોને મળવાની મંજૂરી આપવામાં આવી નહોતી. ત્રણેયને 17 કલાક પછી જાફરપુર કલાં પોલીસ સ્ટેશનથી સંસદ માર્ગ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. અડધી રાતે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન રાતના સમયે પણ પોલીસ સ્ટેશન બહાર CJPના સમર્થકો એકઠા થઈ ગયા હતા અને ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે CJPના પ્રવક્તા આશુતોષ અને સૌરભ દાસની 3 દિવસમાં બીજી વાર ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા 10 ઓક્ટોબરે ત્રણેયની એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ હતી.