સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમિંગનો જમાનો છે અને આ સોશિયલ મીડિયાથી લોકો ગમે તે જગ્યાએથી ગમે તે રાજ્યના, અને દેશના લોકો સાથે વાત કરી શકે છે મૈત્રી કરી શકે છે અને ક્યારેક પ્રેમમાં પણ પડી જાય છે. આવો જ એક કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. વડોદરામાં એક યુવતી ઓનલાઇન ગેમ રમતા રમતા ઉત્તરાખંડના એક યુવકના સંપર્કમાં આવી. અને એ યુવકના પ્રેમમાં પડી ગઈ.

ઉત્તરાખંડના યુવકના પ્રેમમાં પડી ગયેલી વડોદરાની યુવતી તેની સાથે લગ્ન કરવા પણ તૈયાર થઈ ગઈ. જે અંગે જાણ થતાં યુવતીના માતા પિતા ચોંકી ઊઠ્યા. યુવતીને સમજાવવા ઘણા પ્રયાસ કર્યા. પરંતુ યુવતી જીદ છોડવા તૈયાર ન થઈ. આખરે યુવતીના માતા, પિતાએ દીકરીને સમજાવવા માટે અભયમની 181 હેલ્પલાઈનની મદદ લીધી.

વડોદરાના ગોત્રી વિસ્તારમાંથી અભયમમાં કોલ આવતા અભયમની ટીમ યુવતીના ઘરે પહોંચી અને તેના માતાપિતા પાસેથી સમગ્ર ઘટનાની હકીકત મેળવી. અભયમની ટીમે ઉત્તરાખંડના યુવક સાથે લગ્ન કરવા જીદે ચડેલી યુવતીને સમજાવવાના પ્રયાસ શરૂ કર્યા. યુવતીએ જણાવ્યું કે કે 6 મહિનાથી બોલો હાય નામની એપ્લિકેશન પર ઓનલાઈન ગેમ રમતી હતી અને આ ગેમ રમતા રમતા ઉત્તરાખંડના કોઈ યુવકના સંપર્કમાં આવી. જે યુવક વડોદરાની જ કોઈ હોટલમાં રસોઈ બનાવવાનું કામ કરે છે. અને યુવતી પોતે પણ એ હોટલમાં વાસણ ધોવાનું કામ કરે છે.

યુવતીએ કહ્યું કે એક વખત તેણે તેનો મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હતો ત્યારે એ યુવકે તે યુવતીનો નંબર પોતાના મોબાઈલમાં સેવ કરી લીધો હતો. જે બાદ યુવકે યુવતીને લગ્ન કરવા માટે પ્રસ્તાવ મૂક્યો. જે બાદ યુવતીએ તેના માતાપિતા અને ઘરના લોકો સાથે આ વાત કરી . પરંતુ યુવક અજાણ્યો હોય અને બહારનો હોય યુવતીના પરિવારજનોએ મંજૂરી ન આપી.
જો કે યુવતીએ ઘરેથી નીકળી જવાની ધમકી આપતાં તેના પિતા યુવક સાથે વાત કરવા તૈયાર થયા. પરંતુ યુવક હાલ ઉત્તરાખંડ ગયો છે. તે ત્યાંથી તેના માતાપિતાને લઈને આવ્યા બાદ લગ્નની વાત કરશે. યુવતીએ કહ્યું કે યુવકની માતાએ તેને એવું જણાવ્યું કે જો તે એ યુવક સાથે લગ્ન કરશે તો ઉત્તરાખંડમાં પડાયોપર ચડીને કામ કરવું પડશે.
યુવતીની સમગ્ર વાત જાણ્યા બાદ અભયમની ટીમે સારી રીતે કાઉન્સેલિંગ કર્યું. ભોળપણમાં યુવતીને ઘર છોડીને ન જવા અભયમની ટીમે સમજાવ્યું. જે બાદ યુવતી પાસે એવું લખાણ કરાવ્યું કે માતા, પિતાને પરેશાન નહીં કરે.