અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડ્રગ્સની હેરાફેરીનો ફરી એક વખત પર્દાફાશ થયો છે. DRI અને એર ઈન્ટેલિજન્સ યુનિટે 2 મુસાફર પાસેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ બંને મુસાફરો બેંગકોકથી અમદાવાદ આવ્યા હતા.
એરપોર્ટ સુરક્ષા એજન્સીઓને નશીલા પદાર્થની હેરફેર અંગે અગાઉથી જ બાતમી મળી હતી. જે બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બેંગકોકથી આવેલી ફ્લાઈટમાં અમદાવાદ ઉતરેલા બે શખ્સો પર શંકા જતા બંનેની તલાશી લેવામાં આવી.

2 મુસાફરોની ટ્રોલી બેગમાંથી મળ્યા પેકેટ
શંકાસ્પદ મુસાફરોના સામાનની સઘન તપાસ કરવામાં આવતા તેમની ટ્રોલી બેગમાંથી 8 જેટલા વેક્યૂમ-સીલ કરેલા પ્લાસ્ટિક પેકેટ મળી આવ્યા. આ પેકેટમાં લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો. જેની FSL તપાસ કરાવવામાં આવતા આ પદાર્થ હાઈબ્રિડ ગાંજો હોવાનું સામે આવ્યું. આશરે રૂપિયા 2 કરોડની કિંમતનો 2.25 કિલો હાઈબ્રિડ ગાંજો જપ્ત કરીને બંને શખ્સો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા બંને શખ્સો મૂળ મધ્યપ્રદેશના જબલપુરના વતની છે. ડ્રગ્સના આ આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં કોણ કોણ સંડોવાયેલું છે. તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.