ભાદરવો મહિનો એટલે પિતૃઓનો મહિનો. ભાદરવા સુદ પૂનમથી ભાદરવા વદ અમાસ સુધીના સોળ દિવસ શ્રાદ્ધના દિવસો ગણાય છે.આ દિવસો પિતૃઓનું ઋણ ચૂકવવાનો અવસર માનવામાં આવે છે. શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતું કાર્ય એટલે શ્રાદ્ધ. પિતૃઓના શ્રેયાર્થે અને તેમના ઋણમાંથી મુક્ત થવા માટે પિંડદાન, વસ્ત્રદાન અને બ્રહ્મભોજન કરાવવામાં આવે છે. આદિકાળથી તેનો મહિમા જળવાઈ રહ્યો છે.
શાસ્ત્રોમાં દેવકાર્ય કરતાં પણ પિતૃકાર્યનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં ગરુડ અને ભગવાન વિષ્ણુ વચ્ચેના સંવાદમાં શ્રાદ્ધનો ઉલ્લેખ છે. ભગવાન કહે છે કે પિતૃઓનું શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ. જે સમયાનુસાર શ્રદ્ધાથી પિતૃઓનું શ્રાદ્ધ કરે છે, તેમના કુળમાં કોઈ દુ:ખી નથી થતું અને સંતતિ, સંપત્તિ, બળ અને યશની પ્રાપ્તિ થાય છે.’
એક કથા મુજબ સૌથી પહેલું શ્રાદ્ધ ત્રેતાયુગમાં રાજા દશરથના અવસાન બાદ વનવાસ દરમિયાન ભગવાન રામે કંદમૂળથી પિતૃ શ્રાદ્ધ કર્યું હતું. ત્યાર બાદ મહાભારતકાળમાં મહાઋષિ દત્તાત્રેયના તપસ્વી પુત્ર નિમીએ કર્યું હતું. નિમીનો શ્રીમાન નામનો પુત્ર મૃત્યુ પામ્યો હતો. જેની પાછળ નિમીએ જુદી જુદી વસ્તુઓનું દાન કરી તર્પણ કાર્ય કર્યું હતું.
આમ, શ્રાદ્ધ સાથે વિવિધ ધર્મ કથાઓ જોડાયેલી છે. કેટલેક ઠેકાણે વિજ્ઞાનનો આધાર પણ મળી રહે છે. ભાદરવા મહિનામાં સામાન્ય રીતે પિત્તનો પ્રકોપ વધુ રહેતો હોય છે. તેથી આ દિવસોમાં ખીર જેવી વસ્તુ ખાવામાં આવે તો તેનાથી પિત્તના પ્રકોપનું શમન થાય છે. એક આધાર મુજબ ભાદરવા માસમાં ચંદ્ર પૃથ્વીની નજીક આવે છે અને ચંદ્રલોકની બાજુમાં પિતૃલોક હોવાનું માનવામાં આવે છે, તેથી આ સમય દરમિયાન જે કોઈ વસ્તુ કે કાર્ય પિતૃઓ પાછળ કરવામાં આવે છે તે એમના સુધી પહોંચી જાય છે. તેના માટે કાગડાને વાશ નાખવામાં આવે છે, કેમ કે કાગડાઓને પિતૃઓના દૂત ગણવામાં આવે છે. કાગડાના સ્વરૂપે પિતૃઓ ઘરના ધાબા, અગાશી કે છાપરાં પર આવીને તેનો સ્વીકાર કરે છે અને તેમનાં બાળકોને આશીર્વાદ આપી જાય છે. આ ઉપરાંત કાગડાઓ ક્યારેય એકલા ખાતા નથી. ક્યારેય એકબીજા સાથે લડતા-ઝઘડતા નથી અને ખાવાના ટાણે તેઓ કા… કા… કરીને તેના પૂરા પરિવારને બોલાવે છે. આમ તેમનો પરસ્પરનો પ્રેમ પણ માનવજાતને પ્રેરણા આપે છે. ભગવાન શ્રીરામના દર્શન કરવા ઋષિરાજ કાગભુસુંડુજીએ કાગડાનું રૂપ ધારણ કર્યું હતું.

પુરુષોના શ્રાદ્ધ માટે બિહારના ગયાજી અને સૌરાષ્ટ્રમાં પ્રભાસપાટણને ઉત્તમ સ્થાન ગણવામાં આવે છે, જ્યારે માતૃશ્રાદ્ધ માટે ઉત્તર ગુજરાતના પાટણનું સિદ્ધપુર શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે. આ ઉપરાંત પિતૃતર્પણ માટે નાસિક, ત્ર્યંબક, હરિદ્વાર, પુષ્કર, ચાણોદ, માલસર અને નર્મદા તટને પણ ઉત્તમ સ્થળ માનવામાં આવે છે.
શ્રાદ્ધ વિશે એક એવી પણ માન્યતા છે કે શ્રાદ્ધ મધ્યાહ્ન કાળે કરવું જોઈએ, રાત્રે કે સાંજે કદાપિ નહીં. જે ગૃહસ્થનું મૃત્યુ શસ્ત્ર ઘાતથી થયું હોય તેમના પરિવાર માટે ચતુર્થીનું શ્રાદ્ધ શુભ ગણવામાં આવે છે. સામાન્ય રીતે જે તિથિએ પિતૃનું અવસાન થયું હોય તે દિવસની તિથિ જ્યારે ભાદરવાના વદ પક્ષમાં આવે ત્યારે એ દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે. જો મહિલા હોય અને તેમની મૃત્યુતિથિ યાદ ન હોય તો તેમનું શ્રાદ્ધ નોમના રોજ કરવાનો રિવાજ છે.

નિષ્ણાતોના મતે માનવ માત્ર પર ત્રણ ઋણ હોય છે. દેવ ઋણ, પિતૃ ઋણ અને મનુષ્ય ઋણ. આ ત્રણેય ઋણમાંથી માનવીએ મુક્ત થવું જોઈએ. જેમ શિવને પ્રસન્ન કરવા માટે શ્રાવણ માસ, વિષ્ણુની આરાધના માટે માગશર અને દેવીની આરાધના માટે નવરાત્રિના દિવસો ઉત્તમ છે. તેમ પિતૃઓને પ્રસન્ન કરવા માટે ભાદરવો માસ ઉત્તમ ગણાય છે. આ દિવસોમાં પિતૃ ઋણમાંથી મુક્ત થવા આપણને જન્મ આપનારા, આપણું પાલનપોષણ કરનારા પિતૃઓનું શ્રાદ્ધ કરવું જોઈએ.’ અઢારેય પુરાણમાં પિતૃપૂજન, તર્પણ અને સમર્પણનો મહિમા બતાવવામાં આવ્યો છે. આદિઅનાદિ કાળથી શ્રાદ્ધવિધિ કરવામાં આવી રહી છે. ભગવાન રામ, કૃષ્ણ અને ઈન્દ્રએ પણ પિતૃશ્રાદ્ધ કર્યું હોવાનો ઉલ્લેખ છે.’
બ્રાહ્મણોના મતે વીજ વાયરમાં વિદ્યુતપ્રવાહ હોય છતાં દેખાતો હોતો નથી.તેની સાથે બલ્બ જોડવામાં આવે તો પ્રકાશ વિદ્યુતની સાબિતી આપે છે. તેમ પિતૃ કાર્યોથી થતી પિતૃઓની સંતુષ્ટિ અને તેમના આશીર્વાદ ભલે દેખાતા ન હોય પરંતુ અવશ્ય મળે છે. શ્રાદ્ધના દિવસોમાં દીન-દુ:ખિયાઓને અન્ન અને વસ્ત્ર તથા દક્ષિણા આપવાથી પણ પિતૃઓ તૃપ્ત થાય છે.