આગામી પાંચ દિવસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ 12 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોઈ વરસાદની શક્યતા છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના મત પ્રમાણે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદામાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં પણ હળવો વરસાદ પડી શકે છે.
ગાજવીજ સાથે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ઉપરાંત પવનની ગતિ પણ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહી શકે છે.
અમદાવાદમાં પણ પડી શકે ઝાપટાં
હવામાન નિષ્ણાતના મતે સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસર અમદાવાદમાં બહુ નહીં જોવા મળે. જો કે 9 જૂને બપોર પછી અમદાવાદના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે અને ઝાપટાં પડી શકે છે.