સુરતના સચિન GIDCમાં 6 માળની ઈમારત ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ. સચિન GIDCના પાલીગામ વિસ્તારમાં આવેલી 6 માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ. જેને લઈને 10થી વધુ લોકોને ઈજા પહોંચી છે. ઇમારત ધરાશાયી થવાની ઘટના અંગે જાણ કરાતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને બચાવ કામગીરી હાથ ધરી. ઘટના અંગે જાણ થતાં કલેક્ટર, પોલીસ કમિશનર સહિત ફાયર વિભાગના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ઈમારતના કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઈમારતના ચોકીદારના કહેવા મુજબ ઈમારતમાં 30 ફ્લેટ હતા. જેમાંથી 4-5 ફ્લેટમાં જ લોકો રહેતા હતા. ઈમારત ધરાશાયી થઈ ત્યારે એક પરિવાર અંદર હતો. એ સિવાયના લોકો બહાર ગયા હતા. ઈમારતના કાટમાળ નીચે 5 જેટલા લોકો ફસાયા હોવાની માહિતી છે. જે પૈકી એક મહિલાને બચાવી લેવામાં આવી છે. હવે કેટલા લોકો કાટમાળ નીચે છે તેનો ખ્યાલ બધો કાટમાળ હટાવાયા બાદ આવશે.
મળતી માહિતી પ્રમાણે ઈમારતનો માલિક જય દેસાઈ છે. જે થોડા દિવસોમાં આ ઈમારત વેચવા માગતો હતો. અત્યારે ત્યાં રહેતા પરિવારો ભાડેથી રહેતા હતા.