દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં એક જ પરિવારના ચાર સભ્યોએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ભાણવડ તાલુકાના ધારાગઢ ગામ પાસે રેલવે ફાટક નજીક એક સાથે ચાર વ્યક્તિઓનો મૃતદેહ પડ્યા હોવાની જાણ થતાં પોલીસ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી. ચાર મૃતદેહો પૈકી બે મૃતદેહ મહિલાના અને બે મૃતદેહ પુરુષોના હતા. તેમના મૃતદેહ પાસે ઝેરી દવા, પાણીની ખાલી બોટલ અને પ્લાસ્ટિકના ગ્લાસ પડ્યા હતા. અને મૃતકોના મોઢામાંથી ફીણ નીકળી ગયું હતું. ચારેય વ્યક્તિઓએ આત્મહત્યા કરી લીધી હોવાનું જણાયું.
ઓળખ તપાસ કરવામાં આવતા મૃતકોમાં અશોકભાઈ ધુંવા, તેમના પત્ની લીલુબેન પુત્ર જિજ્ઞેશ અને પુત્રી કિંજલ હોવાનું સામે આવ્યું. એટલે કે એક જ પરિવારના ચાર સભ્યો પતિ, પત્ની અને પુત્ર, પુત્રીએ કોઈ કારણસર ઝેરી દવા ગટગટાવીને એકસાથે આપઘાત કરી લીધો.

મૃતક પરિવાર મૂળ લાલપુરના મોડપર ગામનો વતની હતો અને હાલ જામનગરમાં માધવબાગ -1 વિસ્તારમાં રહેતો હતો. પોલીસે અશોકભાઈ ધુંવા અને તેમના પરવારજનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તેમણે ક્યા કારણોસર આપઘાત કર્યો તે અંગે તપાસ શરૂ કરી છે. એકસાથે એક જ પરિવારના ચાર લોકોના આપઘાતથી નાનકડા ધારાગઢ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.