ઉત્તરાખંડના ચમોલીમાં શનિવારે રાત્રે ભારે વરસાદ વરસ્યો, જેને કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન થયું. ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ થઈ ગયો. સ્ટેટ ઈમરજન્સી સેન્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પહાડ ધસી પડવાને કારણે કામેડા, નંદપ્રયાગ અને છિનકા વિસ્તારમાંથી પસાર થતો નેશનલ હાઈવે પણ બંધ છે. કાટમાળ હટાવવાની અને રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ તરફ ઉત્તરપ્રદેશના 10થી વધુ જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરની સીડીઓ સુધી ગંગાનું પાણી પહોંચી ગયું. જેને લઈને બાબા વિશ્વનાથ ધામના ગંગા દ્વાર સહિત 3 દરવાજા પ્રવેશ માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે 130થી વધુ રસ્તાઓ બંધ છે. ઘણા શહેરોમાં વીજળી અને પાણીનો પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. ભોપાલના કેરવા ડેમનો એક દરવાજો શનિવારે ખોલવામાં આવ્યો હતો.
બિહારના બેગુસરાઈમાં પણ ગંગા નદીના જળસ્તરમાં વધારો થયો છે. નદીનું પાણી શહેરના માર્ગો પર વહેવા લાગ્યું. શનિવારે રાત્રે પટના, મોતિહારી, બેતિયા, મુઝફ્ફરપુર, સમસ્તીપુરમાં પણ વરસાદ પડ્યો હતો. જેના કારણે ગંડક નદી પણ ભયજનક સપાટીથી ઉપર વહેવા લાગી.

દિલ્હીમાં ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. પાલમમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ડિંચાવ વિસ્તારમાં આવેલી MCD સ્કૂલની દીવાલ ધરાશાયી થઈ ગઈ અને એક વૃક્ષ પણ ધરાશાયી થઈ ગયું. આ ઘટનામાં બે લોકોને ઈજા પહોંચી છે જ્યારે બે બાઇકને પણ નુકસાન થયું. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે 27 જૂનથી 9 ઓગસ્ટ સુધીમાં હિમાચલપ્રદેશમાં ભારે વરસાદ તેમજ ભૂસ્ખલ જેવી ઘટનાઓને કારણે 100થી વધુ લોકોના મોત થયા છે. 31 જુલાઈએ વાદળ ફાટવાની ઘટના બાદ ઘણા લોકો લાપતા થઈ ગયા હતા. જે પૈકી 30 લોકોને શોધવા માટે સતત સર્ચ ઓપરેશન ચાલુ છે. પરંતુ બચાવ કામગીરી કરતી ટીમને કોઈ સફળતા મળી નથી.