કચ્છમાં હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. કચ્છના અંજારમાં એક યુવકની સરા જાહેર હત્યા કરી નાખવામાં આવી. અંજારમાં ગંગા નાકા વિસ્તારમાં ખુલ્લે આમ છરો લઈને આરોપી યુવક પર તૂટી પડ્યો મોટો છરો લઈને તે યુવકને મારવા લાગ્યો, જે દરમિયાન ત્યાં હાજર એક પુરુષ તેમની વચ્ચે પડે છે. તો પણ શખ્સ એ યુવકને મારતો રહે છે અને થોડી વારમાં ત્યાંથી નીકળી જાય છે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો છે. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લાગી રહ્યું છે કે ત્યાં હાજર ઘણા લોકો છે પરંતુ આરોપી પાસે છરો હોય તેની પાસે જવાની કોઈ હિંમત નથી કરતું. એક પુરુષ તેની પાસે જાય છે. તો પણ આરોપી તેને ગાંઠતો નથી અને મારવાનું ચાલુ રાખે છે.
આ પણ વાંચો – તંત્રના વાંકે ભગવાન મૂકાયા મુશ્કેલીમાં
જો કે હત્યાની આ ઘટના અંગે જાણ થતાં પૂર્વ પોલીસ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ હાથ ધરીને ગણતરીની મિનિટોમાં આરોપી યુવકની ધરપકડ કરી લીધી. કચ્છમાં હત્યા જાણે સામાન્ય થઈ ગઈ હોય અને આરોપીઓને કાયદાનો કોઈ ડર ન હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં કચ્છમાં અલગ અલગ વિસ્તારોમાં હત્યાના ચાર બનાવો સામે આવ્યા છે.

આરોપીની ધરપકડ કરીને પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે દેવીપૂજક સમાજના બે યુવકો વચ્ચે પૈસાની લેતીદેતી બાબતે ઝઘડો થયો હતો. ઝઘડો વધુ ઉગ્ર બન્યો અને યુવકની હત્યા કરવામાં આવી. આરોપી સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે કચ્છમાં છેલ્લા ત્રણ દિવસમાં હત્યાના ચાર બનાવો સામે આવ્યા છે.ગાંધીધામમાં જુગાર રમવા બાબતે ઝઘડો થતા એક ઈસમની હત્યા કરી દેવામાં આવી હતી. એ જ દિવસે માધાપરમાં પણ ભાઈએ જ ભાઈની હત્યા કર્યાનો મામલો સામે આવ્યો હતો. અંજારના વરસામેડીની સોસાયટીમાં અડધી રાત્રે ઘરમાં ઘૂસેલા અજાણ્યા ઈસમે બિહારના આધેડ શ્રમિકને કપાળના ભાગે પથ્થરના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી. ત્યારે અંજારમાં ફરી એક હત્યાનો મામલો સામે આવ્યો છે.