Homeગુજરાતજામનગરમાં પૂરની સ્થિતિને લઈ 5થી વધુ લોકોના મૃત્યુ

જામનગરમાં પૂરની સ્થિતિને લઈ 5થી વધુ લોકોના મૃત્યુ

સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસતાં લોકોની હાલત કફોડી બની ગઈ હતી. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જામનગરમાં બે દિવસમાં 25 ઈંચ જેટલો વરસાદ વરસતાં શહેરના મોટા ભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદે વિરામ લીધા બાદ ધીમે ધીમે પાણી ઓસરવા લાગતાં હવે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જામનગરમાં સર્જાયેલી પૂરની સ્થિતિમાં 7 લોકો તણાઈ ગયા હતા. જે પૈકી 6 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

27 ઓગસ્ટના રોજ જામનગરમાં સત્યમ કોલોનીમાં રહેતા પ્રદીપભાઈ ગોસ્વામી તેમના પુત્ર સાથે ઘરે જઈ રહ્યા હતા. રેલવે અંડર પાસ નજીકથી રેલવે ટ્રેક ઓળંગતી વખતે પાણીના ધસમસતા પ્રવાહમાં પિતા-પુત્ર બંને તણાઈ ગયા હતા. બંનેની ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે બાદ વિશાલા હોટલ પાસેથી બંનેના મૃતદેહો મળી આવ્યા છે.

બીજી ઘટનામાં બેડી મરુન પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ચાંદનીબેન મારુ પોલીસ સ્ટેશનમાં હતા એ દરમિયાન તેમનો 14 વર્ષનો નાનો ભાઈ નરેન્દ્ર બહાર ઓટલા પર ઊભો હતો. જે સમયે અચાનક ધસમસતા પાણીનો પ્રવાહ આવતાં નરેન્દ્ર તણાઈ ગયો હતો. ભારે શોધખોળના અંતે કેબલમાં પગ અટવાઈ ગયેલી હાલતમાં નરેન્દ્રની લાશ મળી આવી.

ધ્રોલમાં આવેલા પૂરમાં રાજેશ કેવલીયા નામનો પુરુષ પણ તણાઈ ગયો હતો. પાણી ઓસરતાં તેમનો મૃતદેહ પણ મળી આવ્યો ચે. જામનગરના સુભાષ બ્રિજ નજીક એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે. જેની ઓળખ થઈ શકી નથી. પોલીસે મૃતદેહનો કબ્જો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરના જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામમાં પણ પરબતભાઈ નામના આધેડ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. જેમનો મૃતદેહ નદી કિનારે આવેલી ઝાડીઓ પાસેથી મળી આવ્યો છે. જામનગરના પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરાએ મૃતકના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. મૃતકના પરિવારજનોને મળવા પાત્ર આર્થિક સહાય તાત્કાલિક ચૂકવવા અધિકારીઓને સૂચન કર્યું હતું.

આ સિવાય જામનગર તાલુકાના મિયાત્રા ગામમાં પણ એક યુવાન પૂરના પાણીમાં તણાઈ ગયો હતો. જેની શોધખોળ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, જામનગરમાં અનેક વિસ્તારોમા પૂરની સ્થિતિ સર્જાતાં 2400થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.  તેમજ 628 લોકોને બચાવવામાં આવ્યા હતા. જેમાં બે સગર્ભા મહિલાનો પણ સમાવેશ થાય છે.

RELATED ARTICLES

Most Popular