Homeગુજરાતભાવનગરના કાળિયાકમાં દર્શન કરીને પરત ફરી રહેલી મુસાફરો ભરેલી બસ પાણીમાં...

ભાવનગરના કાળિયાકમાં દર્શન કરીને પરત ફરી રહેલી મુસાફરો ભરેલી બસ પાણીમાં ફસાઈ; બચાવ કામગીરી હાથ ધરાઈ

મેઘરાજાએ રાજ્યમાં ફરી પોતાની બેટિંગ શરૂ કરી છે. રાજ્યના કેટલાક શહેરો અને જિલ્લાઓમાં ફરી વરસાદ પડી રહ્યો છે. મહારાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુરુવારે પણ રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો. ત્યારે ભાવનગરમાં એક બસ નાળા પરથી ધસમસતા પાણીમાં ખાબકી હોવાની ઘટના સામે આવી છે.

કોળિયાક દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓની બસ નાળા પરથી પસાર થઈ રહી હતી. એ દરમિયાન પાણીનો પ્રવાહ વધતાં નાળા પરથી બસ નીચે ઉતરી ગઈ પાણીના પ્રવાહ વચ્ચે ફસાઈ ગઈ. જેને લઈને બસમાં બેઠેલા મુસાફરો ચિંતામાં મૂકાઈ ગયા હતા. જો કે તંત્ર દ્વારા તાત્કાલિક બસમાં બેઠેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરાવામાં આવી.

દર્શન કરીને પરત ફરતી વખતે બની ઘટના
ભાવનગર શહેરથી આશરે 24 કિલોમીટર દૂર નિષ્કલંક મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દેશભરમાંથી આવે છે. ભાવનગર નજીક કોળિયાકના દરિયાકાંઠે આવેલા પૌરાણિક નિષ્કલંક મહાદેવ મંદિરનો લાંબો ઇતિહાસ છે. સાંજના સમયે તમિલનાડુ પાસિંગની બસ અહીં દર્શન માટે આવી હતી. શ્રદ્ધાળુઓ દર્શન કરીને બસમાં પરત ફરી રહ્યા હતા એ દરમિયાન નાળા પરથી પસાર થઈ રહી હતી જે દરમિયાન પાણીના પ્રવાહ વધતાં અને બસચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ નાળામાં ખાબકી ગઈ.

મુસાફરોને બચાવવા તંત્ર દ્વારા હાથ ધરાયા પ્રયાસ
ઘટના અંગે જાણ થતાં જિલ્લા વહિવટી તંત્ર અને ફાયરવિભાગના જવાનો, તરવૈયાઓ તથા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને બચાવ કામગીરી હાથ ધરી. બસમાં સવાર મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે. જો કે પાણીનો પ્રવાહ વધી રહ્યો હોય બસ ધીમે ધીમે આગળ સરકી રહી રહી હતી. વરસતા વરસાદમાં મુસાફરોને બચાવવા સેવાભાવીઓ પણ જોડાયા.


મળતી માહિતી પ્રમાણે પાણીનો પ્રવાહ વધતાં તરવૈયાઓ પણ બસ પર ફસાઈ ગયા. મુસાફરોને બસમાંથી ટ્રકમાં શિફ્ટ કરીને સલામત સ્થળે લઈ જવાશે. અધિકારીના જણાવ્યા પ્રમાણે ગુજરાત બહારની બસ હોય, બસના ચાલકને કોઝવે વિશે કદાચ બહુ ખ્યાલ ન હોય આ ઘટના બની હોય તેવું લાગી રહ્યું છે.

RELATED ARTICLES

Most Popular