ભાવનગરના બગદાણામાં થયેલી મારામારીના કેસ બાદ ચર્ચામાં આવેલા પૂર્વ સરપંચ નવનીત બાલધિયા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ખેસ પહેરાવીને તેમનું પક્ષમાં સ્વાગત કર્યું.
ઉલ્લેખનીય છે કે તેમના પર હુમલા બાદ હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીએ પણ તેમને ન્યાય અપાવવા માટે મદદ કરી હતી, જેથી તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો હતી. જો કે આ અટકળો વચ્ચે તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. નવનીત બાલધિયા સાથે કોળી સમાજના અનેક આગેવાનો પણ કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસમાં જોડાતા નવનીત બાલધિયાએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પાસે ચૂંટણી લડવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે.

મારો સમાજ કહેશે તો ચૂંટણી લડવા તૈયાર: નવનીત બાલધિયા
કોંગ્રેસમાં જોડાયા બાદ નવનીત બાલધિયાએ કહ્યું કે, ભાજપના ત્રાસથી હું કોંગ્રેસ સાથે જોડાયો છું. મારા કેસમાં જે DySP હતા તેમને અન્ય જગ્યાનો ચાર્જ આપ્યો. જે લોકો રસ્તા પર આવે છે તેમને જ ન્યાય મળે છે, બાકી કોઈને ન્યાય મળતો નથી. ભાજપના ત્રાસથી કંટાળી કોંગ્રેસમાં જોડાયો છું. ચૂંટણી લડવા અંગે તેમણે કહ્યું કે અત્યારે ચૂંટણી લડવાની ઈચ્છા નથી, પરંતુ જો મારો સમાજ કહેશે તો ચૂંટણી લડવા માટે તૈયાર છું.

માયાભાઈના દીકરાએ હુમલો કરાવ્યાનો હતો આરોપ
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ બગદાણા ધામના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયા પર જીવલેણ હુમલો થયો હતો. આ કેસમાં જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીર પર હુમલો કરાવવાનો આરોપ હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. સમગ્ર કોળી સમાજે આ ઘટના સામે વિરોધ કર્યો હતો.અને નવનીત બાલધિયાને ન્યાયની માંગ સાથે દેખાવો કર્યા હતા. ન્યાય માટે છેક ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી હતી. અંતે સરકારે તપાસ માટે SITની રચના કરી હતી, જે બાદ જયરાજ આહીરની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ નવનીત બાલધિયાની સત્તાવાર રાજકારણમાં એન્ટ્રીથી સ્થાનિક રાજકારણ ગરમાઈ ગયું છે.
