ચોટીલામાં નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જો કે આ વખતે ચોટીલાની ચૂંટણી દર વખત કરતા ઘણી ખાસ બની રહેશે. કારણ કે આ વખતે ચોટીલા નગરપાલિકાના રાજકીય જંગમાં માસી બાએ ઝંપલાવ્યું છે.
કોંગ્રેસ પક્ષ દ્વારા મોરબી અને ચોટીલા વિસ્તારના કિન્નર સમુદાયના આદરણીય ગાદીપતિ વૈશાલી દેવી જેમને લોકો વૈશાલી માસીના નામથી ઓળખે છે. તેમને મેદાનમાં ઉતાર્યા છે. વૈશાલી દેવીને વોર્ડ નંબર 2માંથી ટિકિટ આપવામાં આવી છે. શનિવારે પોતાના સમર્થકો સાથે વૈશાલી દેવીએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

વૈશાલી દેવી માત્ર એક રાજકીય ઉમેદવાર નથી, પરંતુ તેઓ આ વિસ્તારમાં એક સમાજસેવક તરીકેની ઓળખ ધરાવે છે. તેઓ મોરબી-ચોટીલા પંથકના કિન્નર સમુદાયના ગાદીપતિ છે. તેમના સામાજિક કાર્યોની યાદી ઘણી લાંબી છે
તેમણે અનેક ગૌશાળાઓ તેમજ ચોટીલાની પાંજરાપોળમાં વર્ષોથી આર્થિક અને શારીરિક યોગદાન આપ્યું છે. ગરીબ વર્ગની દીકરીઓના સમૂહ લગ્નમાં પણ તેમને સેવા આપી છે. લોકડાઉન જેવી કપરી પરિસ્થિતિ હોય કે સામાન્ય દિવસો, વૈશાલી માસી હંમેશા લોકોની વહારે આવ્યા છે.
ચોટીલા નગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવ્યા બાદ વૈશાલી માસીએ જણાવ્યું કે અત્યાર સુધી તેમણે લોકોને આશીર્વાદ આપ્યા છે. અને લોકોએ પણ તેમને પ્રેમ આપ્યો છે. ત્યારે હવે તેઓ લોકો પાસે સેવા કરવાની તક માગી રહ્યા છે.
વધુમાં તેમણે કહ્યું કે “મારે કોઈ અંગત પરિવાર નથી, ચોટીલાની જનતા જ મારો પરિવાર છે. જો ચોટીલાની જનતા અમને વિજયી બનાવી નગરપાલિકામાં મોકલશે, તો હું ખાતરી આપું છું કે સામાન્ય લોકોના પ્રશ્નો માટે મારે કોઈની રાહ જોવી નહીં પડે. ગટર, પાણી અને સ્વચ્છતા જેવી પાયાની જરૂરિયાતો પૂરી કરવી એ જ મારો મુખ્ય ઉદ્દેશ્ય રહેશે. જે રીતે મેં ગૌસેવા અને દીકરીઓના લગ્નમાં મારું જીવન સમર્પિત કર્યું છે, તેવી જ રીતે હું નગરની સેવામાં મારું જીવન સમર્પિત કરી દઈશ.”
પક્ષ ગમે તે હોય પરંતુ એક કિન્નરે નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા ચોટીલાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ચોટીલા નગરપાલિકાની ચૂંટણીના ઈતિહાસમાં પહેલી વખત કોઈ કિન્નરે ઉમેદવારી નોંધાવી છે. વૈશાલી દેવીનું નામ જાહેર થતા જ વોર્ડ નંબર 2 ના મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે,