બિહારના નવનિયુક્ત મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને મોબાઇલ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સને અમદાવાદ જિલ્લાના સાણંદથી ઝડપી લેવાયો છે. પકડાયેલા આરોપીએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પોતાનો ગુનો કબૂલી લીધો હતો, જેને લઈને તેને ઝડપી લેવાયો અને આગળની કાયદાકીય કાર્યવાહી માટે બિહાર પોલીસને સોંપી દેવાયો છે.

શેખર યાદવ નામના શખ્સની ધરપકડ
ઝડપાયેલા શખ્સનું નામ શેખર યાદવ છે. જે મૂળ બિહારનો વતની છે અને હાલ સાણંદ તાલુકામાં આવેલી થાર ડ્રાયપોર્ટ કંપનીમાં જલારામ ટ્રાન્સપોર્ટની ગાડીના ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. રાતના સમયે પણ ટ્રકમાં જ રોકાણ કરતો હતો. કોઈ જૂની વાતની અદાવતને લઈને તેણે બિહારના નવનિયુક્ત મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ફોન પર મારી નાખવાની ધમકી આપી હતી.

બિહારના પોલીસ મથકમાં નોંધાયો હતો ગુનો
બિહારના નવનિયુક્ત મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ફોન પર ધમકી આપવા મામલે ત્યાંના સ્થાનિક સંગ્રામપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આરોપીના મોબાઈલ ફોન પરથી લોકેશન ટ્રેસ કરવામાં આવતા આ લોકેશન ગુજરાતનું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને બિહાર પોલીસે ગુજરાત પોલીસનો સંપર્ક કર્યો હતો. મોબાઈલ ફોનનું લોકેશન અમદાવાદના સાણંદ નજીકનું સામે આવતા અમદાવાદ ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી અને આરોપી શેખર યાદવને ઝડપી પાડ્યો.